VIDEO: BCCIમાં મોટી ઉથલપાથલ, અજિત અગરકર ચીફ સિલેક્ટર પદ છોડશે!
BCCI ની 95મી AGMમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક દરમિયાન સૌથી મોટી ચર્ચા ચીફ સેલેક્ટર અજીત આગરકરના ભવિષ્યને લઈને રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજીત આગરકર હવે આ પદ પર આગળ ચાલુ રહેવાની ઈચ્છા ધરાવતા નથી. તેમનો વર્તમાન કાર્યકાળ 4 ઓક્ટોબરે પૂરો થઈ રહ્યો છે. અહેવાલ મુજબ, અજીત આગરકર સાથે જોડાયેલા એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે તેમણે અગાઉથી જ BCCI ને આ બાબતે જાણ કરી દીધી છે. AGM દરમિયાન BCCI એ અધિકારીઓને સિલેક્શન કમિટીઓ સાથે જોડાયેલા મામલાઓ પર અંતિમ નિર્ણય લેવાની સત્તા આપી દીધી છે. આ બેઠકમાં ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી અને પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ સહિત અનેક રાજ્ય સદસ્ય બોર્ડના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. સીનિયર સિલેક્શન કમિટીના પ્રમુખના ભવિષ્ય ઉપરાંત, BCCI જૂનિયર સિલેક્શન કમિટીના તમામ 5 પદોને ભરવા પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે. બોર્ડના સેક્રેટરી દેવજીત સાઈકિયાએ જણાવ્યું કે જૂનિયર સિલેક્શન કમિટી માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી છે અને આગામી 15 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

