ટાઇગર શ્રોફ તો બહાનું હતું, નિશાના પર હતું બોલિવૂડનું મોટું માથું? ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ધડાકો!

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની કાર પર મુંબઈમાં થયેલા ફાયરિંગ કેસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે તેમના અસલી નિશાના પર ટાઇગર શ્રોફ નહોતા, પરંતુ તેઓ મુંબઈની અન્ય કોઈ મોટી અને પ્રખ્યાત હસ્તીને ટાર્ગેટ કરવા આવ્યા હતા. જોકે, મુખ્ય ટાર્ગેટ સુધી પહોંચવું મુશ્કેલ જણાતાં તેમણે બોલિવૂડમાં દહેશત ફેલાવવાના ઈરાદે ટાઇગર શ્રોફને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યો હતો.
ઇન્સ્ટાગ્રામથી કરી રેકી, સુરક્ષા ન હોવાનો ઉઠાવ્યો ફાયદો
પોલીસ સૂત્રો અનુસાર, હુમલાખોરો બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ ઊભો કરવા માગતા હતા. જ્યારે તેમનો અસલ ટાર્ગેટ હાથ ન લાગ્યો, ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા પોસ્ટ કરાયેલી રીલ્સ અને તસવીરો પરથી ટાઇગર શ્રોફની હિલચાલ પર નજર રાખી હતી. તેમને જાણવા મળ્યું કે ટાઇગર શ્રોફ સાથે સામાન્ય રીતે કોઈ મોટી પોલીસ સુરક્ષા હોતી નથી, જેથી તેને નિશાન બનાવવો સરળ બનશે. આ માહિતીના આધારે આરોપીઓએ આખી રેકી કરી હતી.
જુહુ વિસ્તારમાં બની હતી ઘટના
આ ઘટના ૧૮ ઓક્ટોબરના રોજ સાંજે મુંબઈના જુહુ સ્થિત પુષ્પા નરસી પાર્ક નજીક બની હતી. બાઇક પર સવાર ત્રણ હુમલાખોરોએ અભિનેતાની કાર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફ સદ્નસીબે આબાદ બચી ગયા હતા, પરંતુ ગોળી વાગવાથી તેમના ડ્રાઇવર અને નજીકમાં હાજર અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા.
ક્રાઇમ બ્રાન્ચની ૧૫ ટીમો તપાસમાં જોતરાઈ
ઘટનાની ગંભીરતાને જોતાં મુંબઈ પોલીસે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે, જેના માટે તાત્કાલિક ૧૫ વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર થયેલા દાવાઓને પગલે તપાસ એજન્સીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેના સંભવિત કનેક્શનની દિશામાં પણ તપાસ કરી રહી છે. આ ઉપરાંત સામે આવેલી કથિત ધમકીભરી ઓડિયો ક્લિપની સત્યાર્થતા પણ ચકાસવામાં આવી રહી છે.













