દિલ્હી પ્રદર્શન અગાઉ પોલીસની મોટી કાર્યવાહી, ગુરુગ્રામના ઘરેથી યુટ્યુબર ધ્રુવ રાઠીની અટકાયત

યુટ્યુબર ધ્રુવ રાઠીની ગુરુગ્રામમાં પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, શનિવારે સવારે લગભગ 8 વાગ્યે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, તેમની અટકાયત પાછળનું ચોક્કસ કારણ શું છે અને કયા કેસના સંદર્ભમાં પોલીસ દ્વારા પગલાં લેવામાં આવ્યાં છે, તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
8 ઓક્ટોબરે જ ભારત પાછા ફર્યા છે ધ્રુવ રાઠી
ધ્રુવ રાઠી 8 ઓક્ટોબરે જ ભારત પહોંચ્યા છે. સૌથી પહેલાં તે બેંગલુરુમાં સીઈસી જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ વિરુદ્ધના પ્રદર્શનમાં સામેલ થયા હતાં. આ પછી 9 ઓક્ટોબરની રાતે તેઓ દિલ્હી પહોંચ્યા હતાં. ઈન્ડિયા ગેટથી તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો. આ પછી તેઓ ગુરુગ્રામ સ્થિત પોતાના ઘરે જતા રહ્યા હતા અને શનિવારે જંતર-મંતર પર થનારા વિરોધ પ્રદર્શનમાં પહોંચવાના હતા.
જોકે, CJPના X હેન્ડલ પર કરવામાં આવેલી એક પોસ્ટ મુજબ, સવારે લગભગ 8 વાગ્યે સાદા કપડામાં લગભગ 50 પોલીસકર્મીઓ ગુરુગ્રામ સ્થિત ધ્રુવ રાઠીના ઘરે પહોંચ્યા અને તેમની અટકાયત કરી.
કોણ છે ધ્રુવ રાઠી?
ધ્રુવ રાઠી એક ભારતીય યુટ્યુબર, વીડિયો ક્રિએટર અને સોશિયલ મીડિયા પર્સનાલિટી છે. તેમનો જન્મ 8 ઓક્ટોબર 1994ના રોજ હરિયાણાના રોહતકમાં થયો હતો. તેમના કન્ટેન્ટમાં રાજકારણ ઉપરાંત સામાજિક મુદ્દાઓ, પર્યાવરણ, અર્થવ્યવસ્થા અને સમસામાયિક ઘટનાઓ પણ સામેલ રહે છે. તેમનું નામ ખાસ કરીને એવા વીડિયો માટે જાણીતું છે, જેમાં તે કોઈપણ મુદ્દાને આંકડાઓ, ઉદાહરણો અને વિઝ્યુઅલ્સના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરે છે. તેમણે પ્રારંભિક અભ્યાસ હરિયાણામાં કર્યો. આ પછી ઉચ્ચ શિક્ષણ માટે જર્મની ગયા. તેમણે જર્મનીના કાર્લઝૂહે પ્રોદ્યોગિકી સંસ્થાનથી મિકેનિકલ ઇજનેરીમાં બેચલર ડિગ્રી અને રિન્યૂઅબલ એનર્જી ઇજનેરીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમની ઇજનેરી પૃષ્ઠભૂમિ તેમના શરૂઆતના કન્ટેન્ટમાં પણ દેખાતી હતી, જ્યાં તકનીક અને પર્યાવરણ જેવા વિષયો પર તેમનું ધ્યાન રહ્યું હતું.


