દિલ્હી જનારા મુસાફરો ખાસ ધ્યાન આપે, યુપીથી દિલ્હી આવતી-જતી અનેક ટ્રેનો રદ્દ

દેશની રાજધાની નવી દિલ્હીમાં 10 ઓક્ટોબર એટલે કે આજે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને લઈને ઉત્તર પ્રદેશ (યુપી)ની અનેક ટ્રેનોને કેન્સલ કરી દેવામાં આવી છે. જેમાં સામાન્યથી લઈને ઘણી વીઆઈપી ટ્રેનો પણ સામેલ છે. પ્રયાગરાજ જંકશનથી ચાલતી પ્રયાગરાજ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ ઉપરાંત શિવગંગા, પટના રાજધાની, બનારસ નવી દિલ્હી, સિયાલદાહ રાજધાની સહિતની અનેક ટ્રેનો આજે દિલ્હી માટે નહીં જાય. આ સાથે જ દિલ્હીથી પણ યુપી આવતી ટ્રેનો રદ્દ છે. બીજી બાજુ, ટ્રેન રદ્દ થવાથી હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને પ્રદર્શન થવાનું છે. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વળી, વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાથી યુવાનોને રોકવા માટે યુપીથી દિલ્હી આવતી મોટાભાગની ટ્રેનોને કેન્સલ કરી દેવામાં આવી છે. નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન જતી અનેક ટ્રેનો આજે રદ્દ છે. ઉત્તર મધ્ય રેલવેએ શુક્રવારે આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી હતી કે વિરોધ પ્રદર્શનના કારણે નવી દિલ્હીમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સવારે 4 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીની ટ્રેનો રદ્દ
રેલવેએ 10 ઓક્ટોબર એટલે કે આજે સવારે 4 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યાની વચ્ચે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન આવતી અને જતી ટ્રેનોને રદ્દ કરી છે. જેમાં મેલ, એક્સપ્રેસ, સ્પેશિયલ, રાજધાની, શતાબ્દી, ઈએમયુ/મેમુ ટ્રેન સામેલ છે. પ્રયાગરાજ જંકશનથી દિલ્હી માટે રાત્રે ચાલતી ત્રણ પ્રમુખ ટ્રેનો પ્રયાગરાજ એક્સપ્રેસ (12417), હમસફર એક્સપ્રેસ (12275) અને પ્રયાગરાજ-શકૂરબસ્તી સ્પેશિયલ (02417) રદ્દ છે. આ ઉપરાંત કાનપુરથી દિલ્હી જતી શ્રમશક્તિ એક્સપ્રેસ પણ કેન્સલ છે.
| ટ્રેન નંબર | ટ્રેનનું નામ |
|---|---|
| 12309 | દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ |
| 12033 | કાનપુર સેન્ટ્રલ-નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ |
| 12559 | બનારસ-નવી દિલ્હી શિવગંગા એક્સપ્રેસ |
| 12417 | પ્રયાગરાજ-નવી દિલ્હી પ્રયાગરાજ એક્સપ્રેસ |
| 12275 | પ્રયાગરાજ-નવી દિલ્હી હમસફર એક્સપ્રેસ |
| 12451 | કાનપુર સેન્ટ્રલ-નવી દિલ્હી શ્રમશક્તિ એક્સપ્રેસ |
| 12447 | માનિકપુર-હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ |
| 14211 | આગ્રા કેન્ટ-નવી દિલ્હી ઇન્ટરસિટી એક્સપ્રેસ |
| 02275 | પ્રયાગરાજ-દિલ્હી સ્પેશિયલ |
| 02276 | દિલ્હી-પ્રયાગરાજ સ્પેશિયલ |
| 64107 | દનકૌર-દિલ્હી ઇએમયુ |
| 64113 | ખુર્જા-ગાઝિયાબાદ ઇએમયુ |
| 64101 | અલીગઢ-દિલ્હી ઇએમયુ |
| 64111 | ખુર્જા-શકૂરબસ્તી ઇએમયુ |
| 64581 | હાથરસ કિલ્લા-દિલ્હી મેમુ |
| 64103 | અલીગઢ-દિલ્હી ઇએમયુ |
| 64105 | અલીગઢ-નવી દિલ્હી ઇએમયુ |
| 64109 | દનકૌર-શકૂરબસ્તી ઇએમયુ |
| 02417 | પ્રયાગરાજ-શકૂરબસ્તી સ્પેશિયલ |
| 64168 | આગ્રા ફોર્ટ-ગાઝિયાબાદ ઇએમયુ |
| 64051 | કોસીકલાં-ગાઝિયાબાદ ઇએમયુ |
| 64904 | ગાઝિયાબાદ-મથુરા ઇએમયુ |
| 64151 | અલીગઢ-દિલ્હી મેમુ |
| 64583 | ટુંડલા-દિલ્હી મેમુ |

