મહાદેવ એપ કેસમાં શેફાલી બગ્ગા પર મોટી કાર્યવાહી! EDને પરત આપ્યા ₹1.20 કરોડ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ટેલિવિઝન સ્પોર્ટ્સ પ્રેઝન્ટર અને ‘બિગ બોસ’ની ભૂતપૂર્વ સ્પર્ધક શેફાલી બગ્ગા તપાસના ઘેરામાં છે. આ કેસમાં શેફાલીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ રૂ. 1.20 કરોડ જમા કરાવ્યા છે. EDનો આરોપ છે કે આ રકમ મહાદેવ પ્લેટફોર્મ સાથે સંકળાયેલી સટ્ટાબાજી એપ્સના પ્રચાર માટે મળી હતી. અગાઉ મે મહિનામાં તપાસ એજન્સીએ દિલ્હી અને મુંબઈ સ્થિત શેફાલીના નિવાસસ્થાનો પર દરોડા પાડીને રૂ. 30 લાખ જપ્ત કર્યા હતા. આમ, આ કેસમાં તેમની પાસેથી અત્યાર સુધી રૂ. 1.50 કરોડની રકમ પરત મળી હોવાની માહિતી સામે આવી છે.
મહાદેવ એપ કેસમાં શેફાલી બગ્ગા કેમ તપાસના ઘેરામાં?
મહાદેવ એપ કેસ દેશના મોટા ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્કમાંનો એક છે. આ કેસમાં ઓનલાઈન જુગારના પ્લેટફોર્મના સહપ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉષ્પલ મુખ્ય આરોપીઓમાં સામેલ છે. તપાસ એજન્સીઓના આરોપ મુજબ, દુબઈથી સંચાલિત આ પ્લેટફોર્મને ફ્રેન્ચાઇઝી નેટવર્ક દ્વારા વિસ્તૃત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કથિત રીતે બેનામી બેંક ખાતાઓના નેટવર્ક દ્વારા નાણાંની હેરફેર અને મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું.
આ જ તપાસના ભાગરૂપે શેફાલી બગ્ગાની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે. EDના જણાવ્યા મુજબ, મહાદેવ પ્લેટફોર્મ સાથે જોડાયેલી સટ્ટાબાજી એપ્સના પ્રચાર બદલ તેમને નાણાં મળ્યા હોવાનો આરોપ છે. જોકે, શેફાલીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણ હોવાનો ઇનકાર કર્યો છે અને પોતે અજાણતાં પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં જોડાઈ હોવાનું જણાવ્યું છે.
બે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા રૂ. 1.20 કરોડ પરત કર્યા
તપાસ દરમિયાન શેફાલી બગ્ગાએ EDને રૂ. 1.20 કરોડની બાકી રકમ પરત આપવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ તેમણે રૂ. 50 લાખ અને રૂ. 70 લાખના બે ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) એજન્સીના રાયપુર યુનિટને સોંપ્યા હતા. બંને ડ્રાફ્ટની કુલ રકમ રૂ. 1.20 કરોડ થાય છે.
આ પહેલાં મે મહિનામાં EDએ શેફાલીના દિલ્હી અને મુંબઈ સ્થિત નિવાસસ્થાનો પર તપાસ હાથ ધરી હતી, જેમાં રૂ. 30 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસની તપાસ EDનું રાયપુર યુનિટ સંભાળી રહ્યું છે. જુલાઈ મહિનામાં શેફાલીના પિતા અને ભાઈનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યાં હતાં.
શેફાલીનો દાવો: અજાણતાં જ બ્રાન્ડનો પ્રચાર કર્યો
શેફાલી બગ્ગાએ તપાસ એજન્સી સમક્ષ જણાવ્યું હતું કે મહાદેવ એપ સાથે જોડાયેલી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે તેમને કોઈ જાણકારી નહોતી. તેમના જણાવ્યા મુજબ, તેમની ભૂમિકા સોશિયલ મીડિયા પર કેટલીક બ્રાન્ડ્સના પ્રમોશન પૂરતી મર્યાદિત હતી. અન્ય જાહેર હસ્તીઓ અને સેલિબ્રિટીઓની જેમ તેમણે પણ પ્રમોશનલ પ્રવૃત્તિઓ કરી હતી.
શેફાલીએ એવો પણ દાવો કર્યો હતો કે સંબંધિત બ્રાન્ડ્સ અથવા અન્ય સંસ્થાઓની કામગીરી અંગે તેમને કોઈ વધારાની માહિતી નહોતી અને તેમાં તેમની કોઈ સંડોવણી પણ નહોતી. તેમણે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હોવાની સાથે પોતાને મળેલી રકમ પરત સોંપી દીધી હોવાનું જણાવ્યું હતું.
તેમણે ભારતીય કાયદા અને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અહેવાલ મુજબ, EDએ શેફાલીનું નિવેદન સાક્ષી તરીકે નોંધ્યું છે. જોકે, આ કેસમાં તેમની ભૂમિકા અને સંબંધિત આરોપો અંગે અંતિમ કાનૂની નિર્ણય આવવાનો બાકી છે.

