બંગાળ શર્મસાર: 12 વર્ષની બાળકી પર રેપ-મર્ડરથી હડકંપ, સીએમ સુવેન્દુ અધિકારીએ કહ્યું- 'દોષિતોને ફાંસી અપાશે'

પશ્ચિમ બંગાળના બરૂઈપુર વિસ્તારમાં એક 12 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ બાદ તેની નિર્મમ હત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ક્રૂરતાને પગલે રાજકારણ પણ ગરમાયું છે. ઘટના મુદ્દે કડક વલણ અપનાવતા આ ગુનાના દોષિતોને ફાંસીની સજા આપવાની રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે.
રોષે ભરાયેલા લોકોનો ચક્કાજામ, પોલીસ પર પથ્થરમારો
દક્ષિણ 24 પરગણા જિલ્લાના બરૂઈપુર વિસ્તારમાં રહેતી 12 વર્ષની કિશોરી શનિવારે સાંજે ખરીદી માટે ઘરની બહાર નીકળી હતી. એ પછીથી તે રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. રવિવારે સવારે નજીકના એક તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પીડિત પરિવારનો આરોપ છે કે, 4 લોકો તેમની દીકરીને પરાણે પોતાની સાથે લઈ જતા જોવા મળ્યા હતા. પરિવારે તે તમામ શખ્સો પર દીકરી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.
બાળકીના મોતની ખબર મળતા જ સ્થાનિક લોકો અને પરિજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ન્યાયની માંગ સાથે લોકોએ રસ્તા અને રેલવે ટ્રેક જામ કરીને ઉગ્ર પ્રદર્શન શરૂ કર્યું હતું. પ્રદર્શનના કારણે રવિવારે સિયાલદહ-નામખાના રેલ લાઇન કલાકો સુધી પ્રભાવિત રહી હતી અને ટ્રેનો થંભી ગઈ હતી. જેને પગલે 5 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. પોલીસે પ્રદર્શન કારીઓને હટાવવાનો પ્રયાસ કર્યો તો લોકોએ પથ્થરમારો કરી દીધો. જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 2 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.
મમતા બેનર્જી નજરકેદ? ટીએમસીએ સુવેન્દુ સરકાર પર સાધ્યું નિશાન
પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પીડિત પરિવારને મળવા માટે બરૂઈપુર જવા માંગતા હતા, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ટાંકીને તેમને બળપૂર્વક રોકવામાં આવ્યા હતા. મમતા બેનર્જી ઘરની બહાર ન નીકળી શકે તે માટે તેમના નિવાસસ્થાનની બહાર ભારે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. આ મુદ્દે તૃણમૂલ કોંગ્રેસે CM સુવેન્દુ અધિકારીની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. TMCએ આક્ષેપ કર્યો છે કે, જ્યારથી રાજ્યમાં ભાજપ સત્તા પર આવી ત્યારથી પશ્ચિમ બંગાળમાં 'જંગલરાજ' શરૂ થઈ ગયું છે અને કાયદો-વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ છે.

