BCCIએ કાયદાઓનું પાલન કરવું પડશે! આવતીકાલે સંસદમાં રજૂ થશે ‘રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક’ બિલ

સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે એટલે કે આવતીકાલે (23 જુલાઈ) એક મહત્ત્વનું બિલ રજુ થવાનું છે. આ બિલનું નામ ‘રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક’ છે, જેમાં તમામ રાષ્ટ્રીય મહાસંઘોની જેમ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને પણ સામેલ કરાયું છે, તેમ રેલવે મંત્રાલયના સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે.
રાષ્ટ્રીય મહાસંઘોની જેમ BCCIએ કાયદાઓનું પાલન કરવું પડશે
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, ‘રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક કાયદો બની ગયા બાદ તમામ રાષ્ટ્રીય મહાસંઘોની જેમ બીસીસીઆઈને પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે. વર્ષ 2028માં લૉસ એન્જલસમાં ઓલમ્પિક ખેલોમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે, ત્યારે બીસીસીઆઈ પહેલેથી જ ઓલમ્પિક આંદોલનનો ભાગ બની ગયું છે.
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું હતું?
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે, ‘આ બિલ દેશના રમતગમત પ્રશાસકો માટે વધુ જવાબદારી સુનિશ્ચિત કરવા તરફ એક પગલું છે. તે હેઠળ એક નિયમનકારી બોર્ડની રચના કરાશે અને તેઓને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (National Sports Federations-NSF)ને માન્યતા આપવા અને તેમને ભંડોળ પૂરું પાડવાનો અધિકાર અપાશે. આ બાબતો તેના પર નિર્ભર રહેશે કે તેઓ સુશાસન સંબંધિત શરતોનું કેટલું પાલન કરે છે. આ બોર્ડ એ પણ સુનિશ્ચિત કરશે કે રમતગમત ફેડરેશન ઉચ્ચતમ શાસન, નાણાકીય અને નૈતિક ધોરણોનું પાલન કરે.’
રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયકનો હેતુ
ભારતમાં રમતગમત ક્ષેત્રે પારદર્શિતા, જવાબદારી અને સુશાસન લાવવા માટે રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક રજૂ કરવાનો પ્રસ્તાવ છે. આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રમતગમત સંગઠનોના કાર્યને નિયંત્રિત કરવાનો અને તેમને વધુ જવાબદાર બનાવવાનો છે. વિધેયકનો મુખ્ય હેતુ રમતગમતના સંગઠનોમાં નાણાકીય પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. તેમને ભંડોળના ઉપયોગ, ઓડિટ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ વિશે નિયમિતપણે માહિતી જાહેર કરવી પડશે. આનાથી ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ પર અંકુશ આવશે.
વિધેયકમાં શું હોઈ શકે છે?
વિધેયકનો હેતુ રમતગમત સંગઠનોની ચૂંટણી પ્રક્રિયાને વધુ લોકતાંત્રિક અને પારદર્શક બનાવવાનો છે. તેમાં નિયમિત ચૂંટણીઓ, સભ્યોની લાયકાત અને ચૂંટણી સંબંધિત વિવાદોના નિરાકરણ માટેના નિયમો શામેલ હોઈ શકે છે. લિંગ સમાનતા સુનિશ્ચિત કરવા માટે મહિલાઓના પ્રતિનિધિત્વને ફરજિયાત બનાવવાની જોગવાઈ પણ હોઈ શકે છે. આ વિધેયક દ્વારા રમતગમતના પદાધિકારીઓ માટે ઉંમર અને કાર્યકાળની મર્યાદાઓ લાદવામાં આવી શકે છે, જેથી લાંબા સમયથી એક જ વ્યક્તિઓ દ્વારા પદ પર રહેવાની પ્રથાને અટકાવી શકાય. આનાથી નવા નેતૃત્વને તક મળશે.
વિધેયકમાં ડોપિંગ કેસ સંબંધીત મુદ્દો પણ સામેલ હોવાની સંભાવના
વિધેયકમાં રમતવીરોના હિતોના રક્ષણ માટે જોગવાઈઓ શામેલ હોઈ શકે છે, જેમ કે તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય, અને યોગ્ય પસંદગી પ્રક્રિયા. રમતવીરોને સંગઠનોના નિર્ણયોમાં ભાગીદારી આપવા પર ભાર મૂકવામાં આવી શકે છે. રમતગમત સંબંધિત વિવાદો, જેમ કે પસંદગી, શિસ્ત, અથવા નાણાકીય મુદ્દાઓ માટે એક સ્વતંત્ર અને કાર્યક્ષમ વિવાદ નિરાકરણ મિકેનિઝમ સ્થાપિત કરવામાં આવી શકે છે. ડોપિંગના કેસોને નિયંત્રિત કરવા અને તેના પર કડક કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (NADA) અને વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA)ના નિયમોને વિધેયકમાં સમાવી શકાય છે. આ વિધેયક ભારતમાં રમતગમતના વ્યાપક વિકાસ માટે માળખાગત સુવિધાઓ, તાલીમ અને કોચિંગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી શકે છે.
જો આ વિધેયક કાયદો બનશે, તો તે ભારતીય રમતગમતના પ્રશાસનમાં એક મોટો સુધારો લાવશે અને તેને વધુ વ્યવસાયિક અને પારદર્શક બનાવવામાં મદદ કરશે.

