VIDEO: Rajasthanમાં ગરમીનો હાહાકાર; 47.3 ડિગ્રી સાથે બાડમેર દેશનું સૌથી ગરમ શહેર, જેસલમેર-જોધપુરમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ
રાજસ્થાનમાં ઉનાળાએ આકરો મિજાજ બતાવ્યા છે. રાજ્યના બાડમેરમાં સોમવારનું દિવસનું તાપમાન 47.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જે આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન હોવાની સાથે બાડમેરને દેશનું સૌથી ગરમ શહેર બનાવે છે. સોમવારે રાજસ્થાનમાં હવામાનના બે વિભિન્ન સ્વરૂપો જોવા મળ્યા હતા, જેમાં પશ્ચિમ રાજસ્થાનમાં લોકોએ 47 ડિગ્રીની કાળઝાળ ગરમી અને ભીષણ લૂનો સામનો કર્યો હતો, જ્યારે ઉત્તર રાજસ્થાનમાં વરસાદ અને કરા પડવાને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. મંગળવારે પણ રાજ્યમાં આવું જ મિશ્ર હવામાન રહેવાની શક્યતા છે, જેના પગલે હવામાન વિભાગે જેસલમેર, બાડમેર અને જોધપુરમાં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ, જયપુર, ભરતપુર, અલવર અને સીકર સહિતના જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ અને વરસાદ માટે યલો એલર્ટ અપાયું છે. સતત બીજા દિવસે દેશના સૌથી ગરમ શહેર તરીકે નોંધાયેલા બાડમેરના રણ વિસ્તારમાં લોકો ભીષણ ગરમીથી બચવા માટે ખાનપાનમાં ફેરફાર સહિતના તમામ પ્રયાસો કરી રહ્યા છે.

