સુખબીરસિંહ બાદલ પર હુમલો, અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં ફાયરિંગ

સુખબીરસિંહ બાદલ પર અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પર હુમલો કરવામાં આવ્યો છે. ગોલ્ડન ટેમ્પલ પાસે ફાયરિંગની ઘટના બની છે. જોકે, સુખબીર સિંહ બાદલ બચી ગયા હતા.
હુમલાખોરને ગોળી ચલાવતા જ હાજર લોકોએ પકડી લીધો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને તેની પાસેથી પિસ્તોલ પણ જપ્ત કરી છે. આરોપીનું નામ નારાયણ સિંહ છે. તે દલ ખાલસા સાથે જોડાયેલો છે.
એડીસીપી હરપાલસિંહે કહ્યું, "અહીં સુરક્ષાની પુરતી વ્યવસ્થા છે. સુખબીરજીને સારી રીતે કવર કરવામાં આવ્યા છે. નારાયણસિંહ ચૌરા (હુમલાખોર) કાલે પણ અહીં આવ્યો હતો અને આજે પણ તેને સૌથી પહેલા ગુરૂને પ્રણામ કર્યા હતા અને પછી ગોળી ચલાવી હતી. કોઇને ઇજા થઇ નથી."
મહત્ત્વપૂર્ણ છે કે પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર બાદલ મંગળવારથી અમૃતસરના સુવર્ણ મંદિર એટલે કે શ્રી હરમંદિર સાહિબ ગુરૂદ્વારાની બહાર ચોકીદારીની સજા કાપી રહ્યાં છે. તે મંગળવાર બપોરથી વ્હીલચેર પર ગુરૂદ્વારા પહોંચ્યા હતા, તેમના ગળામાં દોષી હોવાની તખ્તી પણ લટકેલી છે.
સુખબીર બાદલને કેમ સજા સંભળાવવામાં આવી?
શિખ સમાજની 'સુપ્રીમ કોર્ટ'એટલે કે શ્રી અકાલ તખ્ત સાહિબે સુખબીર બાદલને ધાર્મિક સજા સંભળાવી છે. તે ગુરૂદ્વારામાં સેવા કરશે. વાસણ ધોશે અને ચોકીદારી પણ કરશે. શ્રી દરબાર સાહિબમાં બનેલા સાર્વજનિક શૌચાલયની પણ સાફ સફાઇ કરશે. જત્થેદાર શ્રી અકાલ તખ્તે બાદલ અને તેમની પાર્ટીના નેતાઓ પર 2007થી લઇને 2017 સુધી અકાલી દલની સરકારના સમયે ધાર્મિક ભૂલ પર સજા સંભળાવી છે. તે સજાની ભરપાઇ અકાલી નેતા સેવા કરીને કરી રહ્યાં છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં ટ્રેનિંગ, બબ્બર ખાલસા સાથે કનેક્શન... જાણો કોણ છે સુખબીર બાદલ પર ફાયરિંગ કરનાર
શું છે આરોપ?
સુખબીર બાદલ અને તેમની કેબિનેટ વિરૂદ્ધ અકાલ તખ્તે દોષ સાબિત કર્યો છે. આરોપ છે કે બાદલે ઇશનિંદા મામલે ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમને માફી અપાવવામાં મદદ કરી છે. તેના માટે બાદલે રામ રહીમ વિરૂદ્ધ ફરિયાદ પરત લેવામાં પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો છે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાનના કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સંગતના પૈસાથી રાજકીય જાહેરાતો કરવામાં આવી હતી. ડીજીપી સુમેધ સૈનીની નિમણૂકને ધાર્મિક અપરાધ ગણાવ્યો છે.

