Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Asia's longest tunnel: Final 'breakthrough blast' of 'Zojila Tunnel' successfully completed

એશિયાની સૌથી લાંબી ટનલ: 'જોજિલા ટનલ'નું અંતિમ 'બ્રેકથ્રૂ બ્લાસ્ટ' સફળતાપૂર્વક પૂર્ણ

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
એશિયાની સૌથી લાંબી ટનલ: 'જોજિલા ટનલ'નું અંતિમ 'બ્રેકથ્રૂ બ્લાસ્ટ' સફળતાપૂર્વક પૂર્ણ
સોર્સ : gstv

ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇતિહાસમાં આજે એક મોટી સફળતા મળી છે. દુનિયાની સૌથી વધુ ઊંચાઈ પર આવેલી અને સૌથી લાંબી સિંગલ-ટ્યુબ 'જોજિલા ટનલ'નું અંતિમ 'બ્રેકથ્રૂ બ્લાસ્ટ' સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. બ્રેકથ્રૂ એટલે કે ટનલની અંદરની છેલ્લી પથરાળ દીવાલને ધડાકા સાથે તોડીને આરપાર રસ્તો સાફ કરવો. આ સફળ વિસ્ફોટની સાથે જ ટનલના બંને છેડા હવે એકબીજા સાથે જોડાઈ ગયા છે. આ ઐતિહાસિક સિદ્ધિને કારણે કાશ્મીર અને લદાખ વચ્ચે ભારે બરફવર્ષામાં પણ બારેમાસ અવરજવર ચાલુ રાખવાનું વર્ષો જૂનું સપનું હવે પૂરું થવાના આરે છે.

App Store

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં શરૂઆત 

જમ્મુ-કાશ્મીરને લદાખ સાથે જોડતી આ વ્યૂહાત્મક ટનલના સફળ બ્રેકથ્રૂના અવસરે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ (LG) મનોજ સિંહા પોતે હાજર રહીને આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યા હતા. આ સફળતા બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ખુશી વ્યક્ત કરતાં લદાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિપરીત સંજોગો અને અતિશય ઊંચાઈ પર રાત-દિવસ કામ કરનારા તમામ એન્જિનિયરો અને શ્રમિકોની પ્રશંસા કરતાં કહ્યું કે, કનેક્ટિવિટીથી જ વિકાસ શક્ય બને છે અને છેલ્લા 12 વર્ષોમાં આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ થયું છે.

એશિયા જ નહીં, વિશ્વના ઇતિહાસમાં નંબર-1 બનશે આ ટનલ: નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિને ભારતીય એન્જિનિયરિંગના ઇતિહાસનો સુવર્ણ દિવસ ગણાવ્યો હતો. તેમણે ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, 'અત્યાર સુધી આપણે આને એશિયાની સૌથી લાંબી ટનલ કહી રહ્યા હતા, પરંતુ હવે આ ટનલ વિશ્વના ઇતિહાસમાં પણ નંબર-1 પર સ્થાન મેળવશે. આ લેહ અને લદાખના લોકો માટે સાચી લાઇફલાઇન છે. જ્યારે આ ટનલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં માઇનસ 4 ડિગ્રી કે તેનાથી પણ ઓછું તાપમાન હતું. આવી હાડ થીજવતી કડકતી ઠંડીમાં પણ એન્જિનિયર્સ, મજૂરો, કોન્ટ્રાક્ટરો અને ડૉક્ટરોની ટીમે અદ્ભુત મહેનત કરીને આ કમાલ કરી બતાવ્યો છે. આ ટનલ વૈશ્વિક કક્ષાના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.'

સમય મર્યાદાથી 6 મહિના વહેલું કામ પૂરું: જાણો ક્યારે ખુલશે જનતા માટે?

નેશનલ હાઇવે ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(NHIDCL)ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ટનલનું આ બ્રેકથ્રૂ તેના નિર્ધારિત સમય કરતાં લગભગ 6 મહિના વહેલું કરી લેવામાં આવ્યું છે. આ બ્રેકથ્રૂ બાદ હવે આગામી 7થી 8 મહિના સુધી સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ ચાલશે, જેના પછી ઈલેક્ટ્રિકલ અને અન્ય ટેકનિકલ ફિટિંગ શરૂ કરાશે. અધિકારીઓને આશા છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2028 સુધીમાં આ ટનલને સામાન્ય જનતાની અવરજવર માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે.

કેવી છે આ ટનલ અને તેનાથી શું ફાયદો થશે?

ભૌગોલિક ઊંચાઈ: આ ટનલ દરિયાઈ સપાટીથી 11,578 ફીટની અદ્ભુત ઊંચાઈ પર નિર્માણ પામી છે.

લંબાઈ અને કદ: મૂળ સુરંગની લંબાઈ 13.153 કિલોમીટર છે, જે 9.5 મીટર પહોળી અને 7.57 મીટર ઊંચી છે.

આકાર: આ ઘોડાની નાળ આકારની ટનલ છે, જેમાં બે લેન (Two-lane) રસ્તો બનાવવામાં આવ્યો છે.

સમયની બચત: ટનલ શરૂ થયા પછી જોજિલા પાસ પરથી પસાર થવામાં લાગતો 1થી 1.5 કલાકનો સમય ઘટીને માત્ર 15 મિનિટ રહી જશે. એટલે કે 1 કલાકથી વધુની સફર માત્ર 15 મિનિટમાં પૂરી થશે.

જોડાણ: આ ટનલ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલટાલને લદાખના દ્રાસ જિલ્લાના મિનીમાર્ગ સાથે સીધી જોડશે.

31 કિલોમીટરનો આખો પ્રોજેક્ટ અને આધુનિક ટૅક્નોલૉજી

આ આખી પરિયોજનાની કુલ લંબાઈ 31 કિલોમીટર છે, જેમાં 18 કિલોમીટર લાંબા એપ્રોચ રોડ અને પુલ સામેલ છે. હિમાલયની અત્યંત જટિલ અને કઠિન પથરાળ સંરચનાઓને ભેદીને બનાવેલી આ મુખ્ય ટનલનું નિર્માણ મેઘા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ(MEIL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટનલના નિર્માણમાં 'ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ'(NATM) ટૅક્નોલૉજીનો ઉપયોગ કરાયો છે. ટનલની અંદર સેમી-ટ્રાન્સવર્સ વેન્ટિલેશન સિસ્ટમ, ચોવીસ કલાક સીસીટીવી(CCTV) નજર, અદ્યતન રેડિયો સંચાર વ્યવસ્થા, પાવર કટ વગરનો અવિરત વીજ પુરવઠો અને સ્માર્ટ ટનલ (SCADA) મેનેજમેન્ટ સિસ્ટમ જેવી હાઇ-ટેક સુવિધાઓ ગોઠવવામાં આવી છે.

દેશની સુરક્ષા અને અર્થતંત્ર માટે કેમ મહત્ત્વની છે આ ટનલ?

સામરિક(લશ્કરી) દૃષ્ટિએ આ ટનલ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ભારે બરફવર્ષાના કારણે દર વર્ષે શિયાળાના મહિનાઓમાં લદાખનો સંપર્ક બાકીના દેશથી તૂટી જતો હતો, જે હવે હંમેશા માટે બંધ થઈ જશે. આ ટનલ ખુલ્લી થવાથી સરહદી વિસ્તારોમાં સેનાની ત્વરિત તહેનાતી અને હથિયાર અને ખાદ્ય સામગ્રીનો પુરવઠો ખૂબ જ ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકાશે.

આ ઉપરાંત, સ્થાનિક અર્થતંત્ર માટે પણ આ આશીર્વાદરૂપ બનશે. લદાખ સુધી બારેમાસ વાહનવ્યવહાર ચાલુ રહેવાથી પ્રવાસન (ટુરિઝમ), વેપાર અને રોજગારીને મોટો વેગ મળશે. તેમજ આ સુરંગ શરૂ થવાથી શિયાળામાં પણ વસ્તુઓની આપ-લે અને વ્યાપાર અટકશે નહીં, જેનાથી આખા ક્ષેત્રની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે.