અરુણાચલ પ્રદેશ: શ્રમિકોને લઈ જતી ટ્રકે કાબૂ ગુમાવ્યો, તે ખીણમાં ખાબકતા 17 લોકોના મોતની આશંકા

અરુણાચલ પ્રદેશના અંજા જિલ્લામાં ભારત-ચીન સરહદ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શ્રમિકોને લઈ જતી એક ટ્રક કાબૂ ગુમાવી દેતાં હાયુલિયાંગ-ચગલાગામ સરહદી માર્ગ પરની ખીણમાં તે ખાબકી હતી. આ ટ્રકમાં 21 શ્રમિકો સવાર હતા, અને પ્રાથમિક અહેવાલો અનુસાર, 17 લોકોના કરુણ મોત થયાની આશંકા છે.
ખતરનાક પર્વતીય વળાંક પર અકસ્માત
અહેવાલો અનુસાર, અંજા જિલ્લાના ડેપ્યુટી કમિશનર (DC) મિલો કોજિને આ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, 'આ અકસ્માત ખૂબ જ ખતરનાક પર્વતીય વળાંક પર થયો હતો. રસ્તો અત્યંત સાંકડો અને ઘણાં ભાગોમાં ઢાળવાળો છે. આ શ્રમિકો ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા રોડ બાંધકામ સ્થળ તરફ જઈ રહ્યા હતા.'
અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલી હતી.
બચાવ કામગીરીમાં મુશ્કેલી
અકસ્માત બાદ, નજીકના ગ્રામજનો સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચ્યા અને મદદ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર, આપત્તિ વ્યવસ્થાપન દળો અને સેનાની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ હતી.
આ વિસ્તાર તેની મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ માટે જાણીતો છે. શ્રમિકો ખીણમાં ફસાયેલા હોવાથી તેમના સુધી પહોંચવામાં અને તેમને બહાર કાઢવામાં સમય લાગી રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે કે અકસ્માત ટ્રકની વધુ ઝડપને કારણે થયો હતો કે પછી રસ્તાની ગંભીર સ્થિતિ જવાબદાર હતી. આ સરહદી વિસ્તારોમાં કામ કરતા કામદારો દરરોજ જોખમી ભૂ-પ્રદેશ, ખરાબ હવામાન અને સાંકડા રસ્તાઓનો સામનો કરે છે.

