Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Arnab Typhoon Tandav: 42 killed in UP, Rs 36,500 crore expressway becomes‘ swimming pool ’

VIDEO: અર્નબ વાવાઝોડાનું તાંડવઃ યુપીમાં 42નાં મોત, રૂ.36,500 કરોડનો એક્સપ્રેસ વે બન્યો ‘સ્વિમિંગ પૂલ’

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બંગાળની ખાડીમાં સર્જાયેલા અર્નબ વાવાઝોડાની અસર ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડ સુધી જોવા મળી છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને તોફાની પવનથી 42 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક મકાનો, કાચી દિવાલો અને વૃક્ષો ધરાશાયી થયા છે. રૂ.36,500 કરોડના ખર્ચે બનેલો ગંગા એક્સપ્રેસ વે પણ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઝારખંડમાં છ ફ્લાઈટ રદ કરવામાં આવી છે અને ઉત્તરાખંડમાં ફરી ચારધામ યાત્રા સ્થગિત કરાઈ છે.

App Store

ઉત્તર પ્રદેશમાં 42નાં મોત, અનેક વિસ્તારોમાં તારાજી

અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા પર ત્રાટક્યા બાદ તેની અસર ઉત્તર પ્રદેશ સુધી પહોંચી છે. શનિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ સાથે તોફાની પવન ફૂંકાયો હતો. વૃક્ષો, કાચી દિવાલો અને મકાનો ધરાશાયી થવાની વિવિધ ઘટનાઓમાં 42 લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

અવધ વિસ્તારમાં 23 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે બુંદેલખંડ અને મધ્ય ઉત્તર પ્રદેશમાં આઠ લોકોનાં મોત થયાના અહેવાલ છે. રાજ્યના 63 જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં અચાનક પૂરનું જોખમ પણ ઊભું થયું હતું. ભારે વરસાદ અને પવનને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઊભા પાકને નુકસાન થયું છે અને રાજ્યમાં 100થી વધુ ઘરોને અસર પહોંચી છે.

19 ગણો વધુ વરસાદ, લખનઉમાં 125.8 મીમી વરસાદ

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય કરતાં 19 ગણો વધુ વરસાદ નોંધાયો હતો. લખનઉમાં માત્ર 21 કલાકમાં 125.8 મીમી વરસાદ ખાબક્યો હતો. ફરૂખાબાદમાં સામાન્ય કરતાં 200 ગણો, કાનપુર નગરમાં 160 ગણો તથા કન્નૌજ, કાનપુર દેહાત અને હરદોઈમાં 130 ગણો વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.

રૂ.36,500 કરોડનો ગંગા એક્સપ્રેસ વે પાણીમાં ગરકાવ

મેરઠથી પ્રયાગરાજને જોડતા રૂ.36,500 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ગંગા એક્સપ્રેસ વે પર પણ ભારે વરસાદની ગંભીર અસર જોવા મળી હતી. ઉન્નાવ નજીક સોનિક અને બશીરતગંજ વચ્ચે લગભગ અડધો કિલોમીટર સુધી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે એક્સપ્રેસ વે પર જાણે ‘સ્વિમિંગ પૂલ’ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદની અસર

ઉત્તર પ્રદેશમાં પડેલા ભારે વરસાદની અસર દિલ્હી અને એનસીઆર સુધી જોવા મળી હતી. દિલ્હી, નોઈડા તથા આસપાસના વિસ્તારોમાં શનિવારે સવારે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે દિલ્હીમાં તાપમાન લગભગ સાત ડિગ્રી સુધી ગગડી ગયું હતું.

ઝારખંડમાં જળબંબાકાર, છ ફ્લાઈટ રદ

ઝારખંડમાં પણ મૂશળધાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે વરસાદના કારણે સામાન્ય વાહનવ્યવહાર ખોરવાયો હતો. પ્રતિકૂળ હવામાનને કારણે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પરથી છ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. રાંચી, જમશેદપુર સહિત અનેક જિલ્લાઓમાં શનિવારે પણ શાળાઓ બંધ રાખવામાં આવી હતી.

પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં સુવર્ણરેખા નદીનું પાણી જોખમી સ્તરથી 2.02 મીટર ઉપર વહી રહ્યું હતું, જ્યારે ખારકાઈ નદીમાં પાણી જોખમી સપાટીથી 4.50 મીટર ઉપર પહોંચી ગયું હતું. રાંચીના હતિયા અને ગેતલસુદ સહિત અનેક બંધોમાં પણ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો હતો.

ઉત્તરાખંડમાં ફરી ચારધામ યાત્રા સ્થગિત

ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે આ વર્ષે અનેક વખત બંધ કરવામાં આવેલી ચારધામ યાત્રા ફરી એક વખત સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરતાં શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી.

હિમાચલમાં સિઝનની પહેલી હિમવર્ષા

હિમાચલ પ્રદેશના આદિવાસી વિસ્તારો અને કિન્નૌરમાં સિઝનની પહેલી હિમવર્ષા નોંધાઈ હતી. જ્યારે શિમલા અને ધર્મશાળા સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં 2 ઓક્ટોબર સુધી હળવાથી ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.