VIDEO: 'હિંમત હોય તો ત્યાં લાગુ કરીને બતાવો...': UCC મુદ્દે અસદુદ્દીન ઓવૈસીનો અમિત શાહ અને BJP સામે ખુલ્લો પડકાર!
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) મુદ્દે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર અને ભાજપ સામે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. તેલંગાણાના હૈદરાબાદ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં ઓવૈસીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે, ભાજપ દ્વારા લાવવામાં આવી રહેલો UCC સમાનતા માટે નથી, પરંતુ દેશના ૧૮ કરોડ મુસ્લિમોને ટાર્ગેટ કરવાનો એક એજન્ડા છે.
બંધારણના મૂળ અધિકારોના ઉલ્લંઘનનો આરોપ
ઓવૈસીએ દાવો કર્યો હતો કે, ભાજપ અને અમિત શાહ આ પગલું ભરીને ભારતીય બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર), કલમ ૨૫ (ધાર્મિક સ્વતંત્રતા), કલમ ૨૬ અને કલમ ૨૯ નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ દેશની ખરી ઓળખ અને આત્મા બહુલતાવાદ (વિવિધતા) માં રહેલી છે. ભાજપ અને RSS બિન-હિન્દુ સમુદાયો પર હિન્દુ કાયદા થોપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લો કમિશનના રિપોર્ટ અને રાજ્યના કાયદાઓ પર સવાલ
ઓવૈસીએ મોદી સરકાર દ્વારા રચાયેલા લો કમિશનના રિપોર્ટનો હવાલો આપતાં યાદ અપાવ્યું કે, કમિશને પોતે કહ્યું હતું કે ભારતમાં UCC ન તો જરૂરી છે કે ન તો ઇચ્છનીય. આ સાથે જ તેમણે ભાજપ શાસિત રાજ્યોની નીતિઓ સામે સવાલ ઉઠાવતાં પૂછ્યું કે, "જો તમે ખરેખર સમાનતા ઇચ્છો છો, તો તમારા રાજ્યોમાં 'ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ' (અશાંત ધારો) કેમ લાગુ છે? જે એક હિન્દુને મુસ્લિમને પોતાની મિલકત વેચતા રોકે છે. આ ઉપરાંત 'લવ જેહાદ' જેવા કાયદાઓ પાછળ તમારો શો હેતુ છે?"
ગોવા ચૂંટણીને લઈને અમિત શાહને ફેંક્યો પડકાર
પોતાના નિવેદનના અંતે અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહમંત્રીને સીધો પડકાર આપતાં કહ્યું કે, "ગોવામાં ચૂંટણીઓ નજીક આવી રહી છે. હું અમિત શાહ, ભાજપ અને RSS ને ખુલ્લો પડકાર ફેંકું છું કે જો તમારામાં હિંમત હોય તો ગોવામાં આ UCC લાગુ કરીને બતાવો."

