VIDEO: વિજયવાડામાં આંગણવાડી કાર્યકરોનો આક્રોશ
આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં પોતાની લાંબા સમયથી પેન્ડિંગ પડેલી પડતર માંગણીઓને લઈને સેંકડો આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સે રસ્તા પર ઉતરીને રાજ્ય સરકાર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનકારીઓએ લઘુત્તમ વેતનમાં વધારો કરવા, સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવા, ગ્રેચ્યુઈટી અને નિવૃત્તિ લાભો જેવી મુખ્ય માંગણીઓ સાથે કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે વધતી મોંઘવારી વચ્ચે તેમના વેતનમાં લાંબા સમયથી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે મુખ્ય માર્ગો પર બેરિકેડ્સ ગોઠવી દીધા હતા, જેના લીધે પ્રદર્શન સ્થળે ભારે તંગદિલી સર્જાઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આંગણવાડી યુનિયનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે.

