'તેજસ્વી CM બન્યા તો ત્રણ નવા મંત્રાલય બનશે- કેડનેપિંગ-બળજબરી વસૂલી અને મર્ડર'; અમિત શાહ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુજફ્ફરપુરમાં રેલીને સંબોધી હતી. અમિત શાહે આ દરમિયાન બિહારની જનતાને NDAને મત આપવાની અપીલ કરી હતી.
તમારો એક મત બિહારને જંગલરાજથી બચાવશે- અમિત શાહ
મુજફ્ફરપુરમાં ચૂંટણી સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારની જનતાને NDAને મત આપવાની અપીલ કરતા કહ્યું કે, 'લાલુ-રાબડી રાજના 15 વર્ષમાં બિહારને જે રીતે બરબાદ કરવામાં આવ્યું 'જંગલરાજ' હવે ફરી પરત ફરવાના પ્રયાસમાં છે. માત્ર ચહેરો અને ડ્રેસ બદલાયો છે, વિચાર જૂનો જ છે.'
અમિત શાહે કહ્યું કે, 'અહીં હજારોની સંખ્યામાં ભેગા થયેલા લોકોને અપીલ કરૂ છું કે જો તમે NDAને જીતાડો છો તો કોઇ પણ તાકાત બિહારમાં જંગલરાજ પરત નહીં લાવી શકે.'કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, બિહારની જનતાએ આ વખતે સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. જો NDA જીત્યું તો બિહાર વિકાસના રસ્તા પર આગળ વધશે પરંતુ જો RJDને તક મળી તો રાજ્ય ફરી પાછળ ધકેલાઇ જશે.'
અમિત શાહના તેજસ્વી યાદવ પર પ્રહાર
એક ચૂંટણી રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- 'જો લાલુનો દીકરો બિહારના મુખ્યમંત્રી બને છે તો ત્રણ નવા ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવશે- એક કિડનેપિંગ માટે, એક બળજબરી વસૂલી માટે અને એક મર્ડર માટે.'
લાલુ-સોનિયાને પોતાના પરિવારની ચિંતા-અમિત શાહ
અમિત શાહે લાલુ પ્રસાદ યાદવ અને સોનિયા ગાંધીના પર પરિવારવાદનો આરોપ લગાવતા કહ્યું, 'લાલુ અને સોનિયાજી-બન્નેને દેશની નહીં પણ પોતાના પરિવારની ચિંતા છે. લાલુજી ઇચ્છે છે કે તેમનો પુત્ર મુખ્યમંત્રી બને અને સોનિયાજી ઇચ્છે છે કે તેમનો પુત્ર PM બને. બન્નેને હું જણાવી દઉં કે તેજસ્વી ના તો મુખ્યમંત્રી બની શકે છે અને ના તો રાહુલ ગાંધી PM, કારણ કે બન્ને જગ્યાઓ ખાલી નથી. બિહારમાં નીતિશ બાબુ છે અને દિલ્હીમાં મોદીજી છે.
મહત્ત્વપૂર્ણ છે કે બિહારની 243 બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર જ્યારે બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે. બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

