તેજસ્વીના મતવિસ્તારમાં ખેલાઈ ગયો ખેલ, દિગ્ગજ નેતાએ ભાજપનો પાલવ પકડ્યો

બિહારમાં ચૂંટણી જાહેર થતાં જોરશોરથી તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. મતદારોને પોતાની પાર્ટીમાં આકર્ષવા અવનવી લોભામણી જાહેરાતો પણ પાર્ટીઓ દ્વારા થઈ રહી છે એવામાં તેજસ્વી યાદવને ઝટકો લાગે તેવા સમાચાર છે. રાઘોપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી ચૂકેલા રાકેશ રોશન શનિવારે તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. બિહાર ભાજપ પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે, રાઘોપુરથી વિપક્ષના નેતા તેજસ્વી યાદવને હરાવવા એ NDAનો સંકલ્પ છે.
ભાજપ મીડિયા સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં જયસ્વાલે કહ્યું કે રાકેશ રોશનની માતાએ 2000માં રાઘોપુર મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેમણે JDU ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને 46,900 મત મેળવ્યા હતા. 2020માં LJP બેઠક પરથી ચૂંટણી લડી હતી અને 25,000 મત મેળવ્યા હતા.
આ સિવાય તેમણે તિરુટ ગ્રેજ્યુએટ મતવિસ્તારમાંથી પણ ચૂંટણી લડ્યા હગતા. આ વિસ્તારના સમગ્ર સમાજમાં તેમની સારી પકડ છે. રાકેશ રોશનના ભાજપમાં જોડાવાથી રાઘોપુરમાં NDA મજબૂત થયું છે અને આ ચૂંટણીમાં તેના પરિણામો દેખાશે.
તેમણે દાવો કર્યો કે રાકેશ રોશનના જોડાવાથી, NDA રાઘોપુર બેઠક પર મોટી જીત મેળવશે. NDAના BJP ઉમેદવાર સતીશ કુમાર યાદવ રાઘોપુરથી ચૂંટણી લડી રહ્યા છે. જયસ્વાલે કહ્યું કે NDA રાઘોપુર બેઠક જીતવાના દૃઢ નિર્ધાર સાથે ચૂંટણી લડી રહ્યું છે.

