VIDEO : 'જે હથિયાર ઉઠાવશે તે કિંમત ચૂકવશે', 'નક્સલ મુક્ત ભારત' મુદ્દે લોકસભામાં ગરજ્યા અમિત શાહ
લોકસભામાં સોમવારે "નક્સલમુક્ત ભારત" અંગે એક મહત્વપૂર્ણ ચર્ચા થઈ. કેન્દ્ર સરકાર તરફથી નક્સલીઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલા સફળ ઓપરેશન્સની બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવી. નક્સલમુક્ત ભારત બનાવવાની ડેડલાઈન 31 માર્ચ, 2026 મોદી સરકારે આપી હતી. પરિણામે આ મહત્વપૂર્ણ મુદ્દા પર લોકસભામાં આ સમયમર્યાદાના એક દિવસ અગાઉ ચર્ચા થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકાળ દરમિયાન આદિવાસી સમુદાયોનો વિકાસ ન થયો. દેશભરના 12 રાજ્યો નક્સલવાદથી પ્રભાવિત હતા. આજે લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયા છે. નક્સલવાદ ફેલાવા માટે પૂર્વની કોંગ્રેસ સરકારોની નીતિઓને પણ જવાબદાર ગણાવી હતી.
અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે, 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી ગરીબોના કલ્યાણ માટે અસંખ્ય યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આ પહેલથી દેશના પછાત પ્રદેશોમાં વિકાસને પ્રોત્સાહન મળ્યું. ત્યારબાદ નક્સલવાદને નાબૂદ કરવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, કારણ કે આ વિસ્તારોમાં નક્સલવાદની હાજરી વિકાસલક્ષી પ્રગતિમાં નોંધપાત્ર અવરોધ ઉભો કરી રહી હતી. અમિત શાહે આ સફળતા માટે CAPF, COBRA, રાજ્ય પોલીસ, DRG અને સ્થાનિક આદિવાસી સમુદાયોના કર્મચારીઓને શ્રેય આપ્યો. તેમણે નોંધ્યું કે ડાબેરી ઉગ્રવાદ લુપ્ત થવાના આરે છે, જે જનતાના નોંધપાત્ર સહયોગથી પ્રાપ્ત થયેલ સિદ્ધિ છે. તેમણે આ અભિયાન દરમિયાન પોતાના જીવનું બલિદાન આપનારા સુરક્ષા દળોના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે, દેશ આપણા માટે સર્વોપરી છે. દેશ લાંબા સમયથી નક્સલવાદથી પીડિત હતો. લાલ આતંકના ઓછાયા હેઠળ હતો. એટલા માટે બસ્તર જેવા વિસ્તારોમાં વિકાસ ના પહોંચી શક્યો. આ પડછાયો આજે દૂર થતાં વિકાસ પહોંચી રહ્યો છે. બસ્તરમાંથી પણ નક્સલવાદ લગભગ નાબૂદ થઈ ગયો છે. જે હથિયાર ઉઠાવશે તેણે હિસાબ ચૂકવવો પડશે. અમે આદિવાસીઓના અધિકારો માટે લડી રહ્યા છીએ. વામપંથી વિચારધારાને પગલે નક્સલવાદ વધ્યો હતો. મોદી સરકારના 12 વર્ષ દેશ માટે શુભ છે. નક્સલ મુક્ત ભારતનું વિઝન મોદી શાસનમાં થયું. આવતીકાલે ભારતમાં નક્સલવાદનો અંતિમ દિવસ છે. ડાબેરી ઉગ્રવાદ ખતમ થવા જઈ રહ્યું છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, વામપંથી વિચારધારાનો વિકાસ સાથે કોઈ સંબંધ નથી. તેમનું એક જ વાક્ય હોય છે કે સત્તા બંદૂકની નળીથી નીકળે છે. આ વિચારધારાને નિર્દોષ આદિવાસીઓમાં ફેલાવીને સત્તા મેળવવા માંગે છે. અમિત શાહે કહ્યું કે, જે કોઈ પણ હથિયાર ઉપાડશે તેણે કિંમત ચૂકવવી પડશે. ડાબેરીઓ દ્વારા આદિવાસી સમુદાયોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં શાળાઓને સળગાવી નાંખવામાં આવી. નક્સલવાદે વર્ષો સુધી આ પ્રદેશોમાં ગરીબીને કાયમી બનાવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહે જાહેરમાં સ્વીકાર્યું હતું કે, દેશ સામે કાશ્મીર અને ઉત્તર પૂર્વથી પણ મોટો પડકાર નક્સલવાદ છે. છતાં, કોંગ્રેસે કોઈ પગલાં લીધાં નહીં. 12 રાજ્યોને અસરકારક રીતે "રેડ કોરિડોર" માં ફેરવી દેવામાં આવ્યા હતા, જ્યાં કાયદાનું શાસન અસ્તિત્વમાં નથી. આ સંઘર્ષમાં બંને પક્ષે વીસ હજાર યુવાનોના જીવ ગયા, ઘણા કાયમી ધોરણે અપંગ થઈ ગયા. આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ "નક્સલ મુક્ત ભારત" છે . આ હકિકત સ્વીકારવી પડશે. બસ્તર પ્રદેશમાંથી નક્સલવાદ લગભગ નાબૂદ થઈ ગયો છે. નક્સલવાદની હિમાયત કરનારાઓને પૂછવા માંગું છું કે મોદી સરકારમાં ત્યાંના લોકોને જે સુવિધાઓ મળી તે 1970થી અત્યાર સુધી કેમ ના મળી?

