તમિલનાડુમાં TVK સરકારમાં મંત્રીમંડળને ખાતાની ફાળવણી, CMએ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું, જુઓ કોને કયો વિભાગ મળ્યો

તમિલનાડુના રાજકારણમાં એક નવા યુગનો આરંભ થયો છે. તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીઓમાં અભિનેતામાંથી નેતા બનેલા સી. જોસેફ વિજયની પાર્ટી 'તમિલગા વેધરી કઝગમ' (TVK) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. સહયોગી પક્ષોના સમર્થનથી સરકાર રચ્યા બાદ હવે મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે તેમના મંત્રીમંડળને ખાતાઓની ફાળવણી કરી દીધી છે. તમિલનાડુ લોક ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર નવી કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત કુલ 10 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ મહત્વના વિભાગો પોતાની પાસે રાખ્યા
નવી સરકારના વડા સી. જોસેફ વિજયે વહીવટી તંત્ર પર મજબૂત પકડ જાળવી રાખવા સૌથી મહત્વના અને સંવેદનશીલ ગણાતા ગૃહ, પોલીસ અને લોક પ્રશાસન (જનરલ એડમિનિસ્ટ્રેશન) જેવા વિભાગો પોતાની પાસે જ રાખ્યા છે. આ સિવાય મહિલા કલ્યાણ અને યુવા વિકાસ મંત્રાલયની જવાબદારી પણ પોતે જ સંભાળશે. આ મંત્રીમંડળની સૌથી ખાસ વાત એ છે કે તેમણે રમતગમત વિકાસ વિભાગને અગાઉની ડીએમકે સરકારની સરખામણીએ એક સંપૂર્ણ સ્વતંત્ર મંત્રાલય તરીકે સ્થાપિત કર્યું છે.
કોને કઈ જવાબદારી મળી?
તમિલનાડુ સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ મંત્રીઓને નીચે મુજબના મહત્વના ખાતાઓ સોંપવામાં આવ્યા છે
સી. જોસેફ વિજય (મુખ્યમંત્રી): લોક પ્રશાસન, ગૃહ, પોલીસ, મહિલા કલ્યાણ અને યુવા વિકાસ.
આધવ અર્જુન: લોક નિર્માણ વિભાગ (PWD) અને રમતગમત વિકાસ મંત્રાલય.
કે.એ. સેન્ગોત્તૈયાન: નાણાં મંત્રાલય.
કે.જી. અરૂણરાજ: આરોગ્ય મંત્રાલય (હેલ્થ મિનિસ્ટર).
CTR નિર્મલ કુમાર: ઊર્જા સંસાધન અને કાયદા મંત્રાલય.
રાજમોહન: શિક્ષણ , માહિતી અને પ્રસારણ તેમજ તમિલ વિકાસ (પુરાતત્વ સહિત).
એન. આનંદ: ગ્રામીણ વિકાસ વિભાગ.
એસ. કીર્તના: ઉદ્યોગ મંત્રાલય.
પી. વેંકટરમણ: અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ.
ટી.કે. પ્રભુ: કુદરતી સંસાધન મંત્રાલય.
દશકાઓ જૂની રાજકીય પરંપરાનો અંત
તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં આ ખાતાઓની ફાળવણી માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ એક મોટા પરિવર્તનની સાક્ષી છે. છેલ્લા ઘણા દાયકાઓથી તમિલનાડુના શાસનમાં કાં તો DMK અથવા તો AIADMK પક્ષનું જ વર્ચસ્વ રહ્યું છે અને બંને પક્ષો વારાફરતી સત્તા પર આવતા હતા. જોકે, સી. જોસેફ વિજયની TVK સરકારે આ વર્ષો જૂની પરંપરાને તોડીને રાજ્યમાં એક નવા અને ત્રીજા વિકલ્પ તરીકે મજબૂત શરૂઆત કરી દીધી છે. મંત્રીમંડળની આ નવી ટીમ હવે તમિલનાડુના વિકાસના કાર્યોને આગળ ધપાવશે.

