ઈન્ડિયા બ્લોકના તમામ નેતાઓ અચાનક રાજઘાટ રવાના! CEC સામે આરપારની લડાઈની નવી રણનીતિ?

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી ગઠબંધન (INDIA બ્લોક)નો વિરોધ સતત ત્રીજા દિવસે પણ વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દિલ્હીના કનોટ પ્લેસ ખાતે બોલાવવામાં આવેલી વિપક્ષી સાંસદોની લંચ બેઠક પૂર્ણ થયા બાદ, તમામ વિપક્ષી નેતાઓ એકસાથે રાજઘાટ (મહાત્મા ગાંધીની સમાધિ) તરફ રવાના થયા છે.
વિપક્ષી નેતાઓ રાજઘાટ પહોંચીને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવશે અને સત્યાગ્રહ કરશે તેવી માહિતી સામે આવી રહી છે.
ધરપકડ અને FIR બાદ પણ વિપક્ષ અડગ
ગઈકાલે (૭ ઓક્ટોબર) જંતર-મંતર તરફ કૂચ કરતી વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી અને ત્યારબાદ પોલીસ સાથે ઘર્ષણના આરોપસર કેસ પણ નોંધાયો હતો. આમ છતાં, આજે સતત બીજા દિવસે કનોટ પ્લેસ ખાતે બેઠક યોજ્યા બાદ વિપક્ષે પીછેહઠ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
આ બેઠકમાં કોંગ્રેસ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જી સહિત ગઠબંધનના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી ચૂંટણી પંચના વડાનું રાજીનામું નહીં આવે ત્યાં સુધી આ લડાઈ રસ્તા પર ચાલુ રહેશે. હવે રાજઘાટ ખાતે વિપક્ષના આ પગલાને પગલે દિલ્હી પોલીસે પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે.

