VIDEO: ઈન્ડિયા ગેટ પાસે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ AAPનું ઉગ્ર પ્રદર્શન, સૌરભ ભારદ્વાજની અટકાયત
દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે રવિવારે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટી અને તેના વિદ્યાર્થી સંગઠન 'ASAP' ના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન AAP કાર્યકરો બસો પર ચઢી ગયા હતા, જેમાં અટકાયત કરાયેલા પ્રદર્શનકારીઓને લઈ જવામાં આવી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ રસ્તા પર ઉતરીને ભારે નારેબાજી કરી હતી.
AAP કાર્યકરોએ પોલીસ અટકાયતમાં લેવાયેલા લોકોને લઈ જતી બસોને રસ્તાની વચ્ચે જ ઘેરી લીધી હતી, અને તેને આગળ વધતી અટકાવી દીધી હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે ઈન્ડિયા ગેટ અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સના જવાનોને તેનાત કરી દેવામાં આવ્યા છે.
જંતર-મંતર પર પ્રદર્શન ચાલુ
બીજી તરફ, જંતર-મંતર પર પણ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન પોલીસે અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. AAP નેતા સૌરભ ભારદ્વાજની પણ પોલીસે અટકાયત કરી લીધી હતી. અટકાયત કર્યા બાદ તેમણે જણાવ્યું કે, 'પોલીસ મને એવી રીતે ઉપાડીને ફેંકી રહ્યા છે, જાણે હું કોઈ ફુટબોલ હોઉં. અહીં આટલી મોટી પોલીસ ફોર્સ હાજર છે, છતાં તેઓ પોતાના જ ACP વિરુદ્ધ FIR સુદ્ધાં નોંધતા નથી, કે નથી ACPની અટકાયત કરતા.'

