VIDEO: 'મારે ઓફિસ જવું છે, બેરિકેડ્સ હટાવો' કહીને રોડ પર જ સૂઈ ગઈ મહિલા, વીડિયો વાયરલ
પુણે: મહારાષ્ટ્રના આળંદીમાં શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. યાત્રાને ધ્યાનમાં રાખીને અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. જેના કારણે ગુસ્સે થયેલી એક મહિલાએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી, રસ્તા પર સૂઈને વિરોધ નોંધાવ્યો અને બાદમાં પોતાની ગાડીથી પોલીસના બેરિકેડ્સ ટક્કર મારીને ત્યાંથી નીકળી ગઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
શું છે જ્ઞાનેશ્વર મહારાજ પાલખી યાત્રા?
શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી યાત્રા મહારાષ્ટ્રની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રાઓમાંની એક છે. આષાઢી એકાદશીના અવસરે વારકરીઓ ભગવાન વિઠ્ઠલના દર્શન માટે પગપાળા યાત્રા કરે છે. આ પદયાત્રા આળંદીથી પંઢરપુર સુધી જાય છે. આ યાત્રા ભક્તિ, સમાનતા અને મહારાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે.
રસ્તો ન મળતા મહિલાનો ગુસ્સો ફાટ્યો
પાલખી યાત્રા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે PCS ચોક સહિત અનેક મુખ્ય માર્ગો સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ કર્યા હતા. આ દરમિયાન એક મહિલા પોતાની ગાડી લઈને ત્યાં પહોંચી અને ઓફિસ જવા માટે રસ્તો ખોલવાની માંગ કરી. જોકે, પોલીસે સુરક્ષા કારણોસર તેની માંગ નકારી દીધી.
લાંબી દલીલબાજી બાદ મહિલા ગુસ્સે ભરાઈ ગઈ. પહેલા તેણે રસ્તા પર સૂઈને વિરોધ કર્યો અને પછી પોતાની ગાડી સીધી પોલીસના બેરિકેડ્સ સાથે અથડાવી ત્યાંથી ઝડપથી નીકળી ગઈ.

