શાહરૂખને ધમકી મામલે સામે આવ્યું હરણ કનેક્શન! આરોપીએ કહ્યું- ફરિયાદ કરી એટલે મને ફસાવ્યો

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારવાની ધમકી મામલે નવો વળાંક આવ્યો છે. હવે આ ઘટનામાં સલમાન ખાનની જેમ હરણ કનેક્શન પણ સામે આવ્યું છે. મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને શાહરૂખ ખાનને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાની તપાસમાં પોલીસને ખબર પડી કે આ ફોન રાયપુર (છત્તીસગઢ)થી કરવામાં આવ્યો હતો. જે નંબર પરથી ફોન આવ્યો હતો તે ફૈઝાન ખાન નામના વ્યક્તિનો હતો.
શાહરૂખ ખાનને ધમકી મામલે નવો વળાંક
ફૈઝાને કહ્યું કે તેનો ફોન 2 નવેમ્બરે ચોરાઈ ગયો હતો પરંતુ હવે ફૈઝાને ચોંકાવનારો દાવો કર્યો છે. તેનો દાવાનું કનેક્શન હરણના શિકાર સાથે છે. મહત્ત્વપૂર્ણ છે કે, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે સંબંધિત કાળિયાર શિકારનો મામલો 24 વર્ષ બાદ પણ ચર્ચામાં છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, જેણે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી, તેણે શિકારના કેસને બોલિવુડના સુપરસ્ટાર સાથેની દુશ્મનીનું કારણ ગણાવ્યું છે.
શાહરૂખ ખાનને મળેલી ધમકીનું હરણ કનેક્શન
મળતી માહિતી અનુસાર,શાહરૂખ ખાનને ધમકી આપનાર આરોપી ફૈઝાન ખાને કહ્યું કે તેને શાહરૂખ ખાન વિરૂદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી, માટે તેને હવે ધમકી મામલે ફસાવવામાં આવી રહ્યો છે.
ફૈઝાને કહ્યું કે તેણે શાહરૂખ ખાન વિરુદ્ધ 'બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા' માટે ફરિયાદ નોંધાવી હતી. એક વીડિયોની લિંક શેર કરતા તેણે શાહરૂખ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફૈઝાનનો આરોપ છે કે ફિલ્મ 'અંજામ' (1994)માં શાહરૂખે જણાવ્યું હતું કે તેણે એક હરણની હત્યા કરી છે અને તે પોતાના સ્ટાફને તે હરણનું માંસ પકાવીને ખાવાનું કહે છે.ફૈઝાનનો આરોપ છે કે ફિલ્મમાં આવા સીન બતાવવાથી બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ થઈ શકે છે. એક વીડિયોમાં ફૈઝાને આરોપ લગાવ્યો છે કે શાહરૂખના કેટલાક આતંકી તત્ત્વો સાથે પણ કનેક્શન છે.
આ પણ વાંચો: 'મારો ફોન 2 નવેમ્બરે થઈ ગયો હતો ચોરી', શાહરૂખને ધમકી આપનાર ફૈઝાનનો દાવો
સલમાન ખાનને મળતી ધમકીનું પણ હરણ કનેક્શન
બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પર વર્ષ 1998માં ફિલ્મ 'હમ સાથ સાથ હૈં'ના શૂટિંગ દરમિયાન રાજસ્થાનમાં કાળિયારનો શિકાર કરવાનો આરોપ છે. રાજસ્થાનના બિશ્નોઇ સમાજ કાળિયારને પવિત્ર માને છે. તે બાદથી બિશ્નોઇ સમાજ સલમાન ખાનથી નારાજ છે.આ કેસ અત્યારે કોર્ટમાં છે. વર્ષ 2018માં જ્યારે સલમાન ખાન આ કેસની એક હિયરિંગ માટે જોધપુર કોર્ટમાં હાજર થયો હતો ત્યારે લોરેન્સ બિશ્નોઇએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

