દિવાળી પહેલાં ફટાકડા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય! જાણો ફટાકડા ફોડવાની છૂટ મળશે કે નહીં?

દિવાળીના તહેવાર પહેલાં ફટાકડાના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે દેશભરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં નહીં આવે. તંત્ર અને ન્યાયાલયે લોકોની ધાર્મિક લાગણીઓ અને સ્વાસ્થ્ય-પર્યાવરણ વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને ઉકેલ લાવવો પડશે.
ધાર્મિક લાગણી અને લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી : સુપ્રીમ કોર્ટ
સુનાવણી દરમિયાન જસ્ટિસ એમએમ સુંદરેશે જણાવ્યું હતું કે, દેશભરમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ શકે છે. કોર્ટ સંપૂર્ણ પ્રતિબંધની તરફેણમાં નથી, પરંતુ ક્યાંય પણ 24 કલાક ફટાકડા ફોડવાની છૂટ આપી શકાય નહીં, કારણ કે તેનાથી બીમાર વ્યક્તિઓ, વૃદ્ધો અને નાના બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. કોર્ટ એવો રસ્તો કાઢવા માંગે છે જે તમામ પક્ષો માટે સ્વીકાર્ય અને સંતુલિત હોય.
‘ફટાકડા ફોડવાનો સમય નક્કી કરો’
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આગામી દિવસોમાં એવો ઉકેલ શોધવામાં આવશે જેમાં ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવે. આ સાથે કયા પ્રકારના ફટાકડા ફોડી શકાશે અને કયા ફટાકડા પર રોક લગાવવામાં આવશે તેની યાદી પણ સ્પષ્ટ કરવામાં આવશે, જેથી પ્રદૂષણ નિયંત્રણમાં રહે અને તહેવારની ઉજવણી પણ જળવાઈ રહે.
બેરિયમ અને અવાજના સ્તરનું પરીક્ષણ કરવા આદેશ
કોર્ટે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અને કેન્દ્ર સરકારને ફટાકડામાં બેરિયમની હાજરી તપાસવા માટે વધુ ટેસ્ટ કરવાનો સમય આપ્યો છે. આ સાથે ફટાકડાના સંયુક્ત ફાયર ટેસ્ટ કરીને તેનો અવાજ (ડેસિબલ લેવલ) કેટલો રહે છે તે નક્કી કરવા પણ કહેવામાં આવ્યું છે, જેથી અવાજથી સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો જાણી શકાય.
15 ઓક્ટોબરે આગામી સુનાવણી
સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 15 ઓક્ટોબરના રોજ નિયત કરી છે. ત્યાં સુધીમાં સીપીસીબી અને કેન્દ્ર સરકારે પોતાના ટેસ્ટના પરિણામો અને વિગતવાર અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવાના રહેશે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં દર વર્ષે દિવાળી સમયે વધતા વાયુ પ્રદૂષણ અને ધાર્મિક પરંપરા બંનેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટનું આ સંતુલિત વલણ ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

