UPમાં અચાનક આ ડેરી પ્રોડક્ટ્સ પર મુકાયો પૂર્ણ પ્રતિબંધ, જાણો શું છે મામલો!

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઉત્તર પ્રદેશમાં તમામ પ્રકારના ‘એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ’ (કૃત્રિમ/નકલી ડેરી ઉત્પાદનો)ના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ નવા આદેશ બાદ હવે રાજ્યમાં કોઈપણ પ્રકારની નકલી કે ભેળસેળયુક્ત ડેરી આઇટમ્સ વેચી શકાશે નહીં.
કયા-કયા ઉત્પાદનો પર મૂકાયો પ્રતિબંધ?
સરકારના આ કડક આદેશના દાયરામાં મુખ્ય ડેરી ઉત્પાદનોને આવરી લેવામાં આવ્યા છે:
એનાલોગ પનીર
એનાલોગ ક્રીમ
એનાલોગ ઘી
એનાલોગ છેના
એનાલોગ માવો (ખોયા)
આ તમામ નકલી અને ભેળસેળિયા ઉત્પાદનોના બજારમાં વેચાણ પર હવે તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં દૂધ અને દૂધની બનાવટોની ગુણવત્તા તપાસવા માટે મોટા પાયે દરોડા પાડીને નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓની લેબોરેટરી તપાસના અહેવાલો અત્યંત ચોંકાવનારા રહ્યા હતા.
દૂધ અને પનીર જેવી વસ્તુઓમાં કુદરતી દૂધના સ્થાને રિફાઇન્ડ તેલ, વિવિધ પ્રકારના સસ્તા ફેટ તેમજ સોયાબીન કે તેના ઉત્પાદનોની ભારે ભેળસેળ જોવા મળી હતી. દૂધ અને માવા જેવા ઉત્પાદનોમાં માનવ શરીર માટે અત્યંત ઝેરી અને જોખમી કેમિકલ્સ મળી આવ્યા હતા, જેમાં ટેલ્કમ પાવડર, ડિટર્જન્ટ, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ, લિક્વિડ ગ્લુકોઝ, સેફોલાઇટ, રાનીપોલ, ટીનોપોલ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને અન્ય હાનિકારક ન્યુટ્રલાઇઝર્સનો સમાવેશ થાય છે.
ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કડક કાર્યવાહી
આ પ્રકારના ઝેરી કેમિકલ્સથી તૈયાર કરાતા નકલી ડેરી ઉત્પાદનો લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરી રહ્યા હતા અને ગંભીર રોગોનું જોખમ ઊભું કરી રહ્યા હતા. ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006’ના નિયમો અનુસાર, દૂધ અને તેની બનાવટોનું ઉત્પાદન તેમજ વેચાણ તેના વાસ્તવિક અને કુદરતી સ્વરૂપમાં જ થવું ફરજિયાત છે. નાગરિકોના જીવનને જોખમમાં મૂકતા આવા તત્વો પર લગામ લગાવવા અને લોકોને શુદ્ધ તેમજ ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય સુરક્ષા કમિશનરે આ કડક પ્રતિબંધનો આદેશ જારી કર્યો છે.

