VIDEO: ચોખાના મુદ્દે દિલ્હી વિધાનસભામાં ભારે ધમાસાણ
દિલ્હી વિધાનસભામાં કથિત રાશન કૌભાંડના મુદ્દે સત્તાધારી ભાજપ અને મુખ્ય વિપક્ષ આમ આદમી પાર્ટી વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું છે. આપના ધારાસભ્યો સબ્સિડીવાળા ચોખાની ખરીદી અને વિતરણમાં ગડબડ અંગે તાત્કાલિક ચર્ચા કરવાની માગ સાથે હોબાળો કરી રહ્યા હતા. વિવાદ એટલો વધી ગયો કે વિધાનસભા અધ્યક્ષના આદેશ બાદ આપના 8 ધારાસભ્યોને માર્શલ દ્વારા ગૃહમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન આપ ધારાસભ્યોએ કથિત રાશન કૌભાંડનો મુદ્દો ઉઠાવી સરકાર પાસે જવાબ માગ્યો હતો. વિપક્ષનો હંગામો વધતાં વિધાનસભા અધ્યક્ષે તેમના વર્તનને અયોગ્ય ગણાવ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે ગૃહમાં આવું આચરણ ચલાવી લેવાશે નહીં, જેના પછી 8 ધારાસભ્યોને માર્શલ આઉટ કરાયા હતા. બીજી તરફ, મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આ આરોપોને ફગાવતા આપ ધારાસભ્ય કુલદીપ કુમાર પર ગૃહમાં ચોખા ફેંકીને ગૃહનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો.

