236 ગામો જળમગ્ન! 4.61 લાખ જિંદગી મુશ્કેલીમાં! બિહારના સારણમાં પૂરને પગલે રોગચાળાનું સંકટ

બિહારના સારણમાં પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ 6 બ્લોક અને NH-722 હજુ પણ જળમગ્ન છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે અને હજારો લોકોએ સ્થળાંતર કર્યું છે. પૂરથી ઘેરાયેલા બિહારના છપરા,સારણ જિલ્લામાં જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. જોકે હજુ પણ 6 થી વધુ બ્લોકમાં પૂરના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત છે. આ પૂરના કારણે મકેરમાં એનએચ-722 મુઝફ્ફરપુર-છપરા હાઇવે પર હજુ પણ લગભગ અડધો ફૂટ પાણી ભરાયેલા છે. તો બીજી તરફ અનેક ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા છે, અને ડઝનબંધ ઘરો જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. જિલ્લા વહીવટીતંત્રના અહેવાલ મુજબ કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા પણ છે.
રોગચાળો ફેલાવાનો તંત્રને ડર
આ તમામ વિસ્તારોમાં ચેપ અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે બ્લીચિંગ પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, જિલ્લાના 6 બ્લોકની 42 પંચાયતોના 236 ગામો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. આ વિસ્તારોમાં રાહત, બચાવ, આરોગ્ય, પીવાનું પાણી, પશુ ચિકિત્સા અને અનાજ પુરવઠા સહિતની આવશ્યક સેવાઓ સતત ચલાવવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ આ પૂરથી આશરે 4 લાખ 60 હજાર 963 ની વસ્તી અને 1 લાખ 4 હજાર 43 પરિવારો પ્રભાવિત થયા છે.
74 હજાર લોકોનું સ્થળાંતર
પૂરના કારણે લગભગ 74,737 લોકોએ સ્થળાંતર કર્યું છે. આ તમામ લોકો પ્રભાવિત વિસ્તારોમાંથી નીકળીને સુરક્ષિત સ્થળોએ રહી રહ્યા છે. જે લોકો રાહત અને બચાવ છાવણીઓમાં રહી રહ્યા છે, તેમના માટે જરૂરી સંસાધનો સતત પૂરા પાડવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 54 મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યા છે, જ્યાં અત્યાર સુધીમાં 14,012 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. તો બીજી તરફ પ્રભાવિત વિસ્તારોમાં પશુઓ માટે ચારા અને સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
દોઢ લાખ લોકોને મળ્યું ભોજન
આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રભાવિત વિસ્તારોમાં 133 સામુદાયિક રસોડા ચલાવવામાં આવી રહ્યા છે. અહીંથી 4 લાખ 51 હજાર 538 લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે. વાહનવ્યવહાર અને રાહત-બચાવ કામગીરી માટે 128 હોડીઓ ચલાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં પ્રભાવિત વિસ્તારોમાં 55,718 પોલિથીન શીટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. તો બાળકોને પોષક તત્વો પૂરા પાડવા માટે પ્રભાવિત પંચાયતોમાં 254 આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે.

