VIDEO : પશ્ચિમ બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 62 ટકા મતદાન, કુમારગંજમાં ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકાર પર હુમલો
પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં થઈ રહેલા મતદાન વચ્ચે બપોરે 1 વાગ્યા સુધીના મતદાનન આંકડા સામે આવી ગયા છે. પશ્ચિમ બંગાળમાં મતદાનનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં 62 ટકા મતદાન થઈ ચૂક્યું છે. તમિલ નાડુમાં પણ મતદાનનો આંક 56 ટકા પહોંચી ગયો છે.
કુમારગંજમાં બીજેપી ઉમેદવાર પર હુમલો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાંથી હિંસા અને તણાવના સમાચાર સામે આવી રહ્યા છે. સિલીગુડીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરો સામસામે આવી ગયા છે, તો બીજી તરફ મુર્શિદાબાદમાં દેશી બોમ્બ ફેંકવાની ઘટના બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. કુમારગંજ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે તેમના અને તેમની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
પોલિંગ એજન્ટોને બહાર કાઢવાનો આરોપ
શુભેન્દુ સરકારના જણાવ્યા અનુસાર કુમારગંજ મતવિસ્તારના 8થી 10 પોલિંગ સ્ટેશનો પર ભાજપના પોલિંગ એજન્ટોને બળજબરીપૂર્વક બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમણે પોતે હસ્તક્ષેપ કરીને આ એજન્ટોને ફરીથી અંદર બેસાડવાની વ્યવસ્થા કરી હતી. જોકે, સ્થિતિ ત્યારે વણસી જ્યારે તેઓ ગ્રાઉન્ડ લેવલની તપાસ કરવા માટે બૂથ નંબર 24 પર પહોંચ્યા.
ડરનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ
ઘટના અંગે વિગતો આપતા શુભેન્દુ સરકારે કહ્યું કે, જ્યારે હું બૂથ નંબર 24 પર નિરીક્ષણ માટે ગયો, ત્યારે અચાનક મારી અને મારી આખી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. તેઓ સ્પષ્ટપણે વિસ્તારમાં ડર અને ધાકધમકીનું વાતાવરણ ઊભું કરવા માગતા હતા. નવાઈની વાત એ છે કે કેન્દ્રીય દળો પોલિંગ સ્ટેશનની અંદર હાજર હતા, પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે મારી સાથે માત્ર મારો એક બોડીગાર્ડ જ હતો.
શુભેન્દુ સરકારે કહ્યું કે, મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા છે અને આ વિસ્તારની ચારેય બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસનો પરાજય નિશ્ચિત છે. તેમણે દાવો કર્યો હતો કે હારના ડર અને હતાશામાં આવીને TMCના કાર્યકરોએ આ હુમલો કર્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ચૂંટણી પંચે આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેની નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે.

