Video: 21 દિવસમાં 600 કિમીની પદયાત્રા: શિમલા સચિવાલય બહાર હજારો કાર્યકરોનું શક્તિપ્રદર્શન, સરકાર સામે મોટો પડકાર!

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓ અને સંબંધિત કાયદાઓને પરત ખેંચવાની માંગ સાથે રાષ્ટ્રીય દેવભૂમિ પાર્ટી દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ 21 દિવસમાં 600 કિલોમીટર લાંબી ‘સ્વર્ણ સમાજ અશ્વમેધ ન્યાય યાત્રા’ પૂર્ણ કર્યા બાદ શિમલા સ્થિત હિમાચલ પ્રદેશ સચિવાલય તરફ કૂચ કરી હતી.
આ યાત્રાના સમાપન બાદ યોજાયેલા માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો સચિવાલય પરિસર નજીક પહોંચ્યા હતા અને સરકાર સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આંદોલનકારીઓની મુખ્ય માંગણી છે કે સામાન્ય વર્ગના હિતોને અસર કરતી UGCની જોગવાઈઓ અને કાયદાઓને તાત્કાલિક ધોરણે પાછા ખેંચવામાં આવે.
પાર્ટીના પ્રમુખ રૂમિત સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, આ આંદોલન માત્ર એક યાત્રા પૂરતું મર્યાદિત નથી. જ્યાં સુધી સરકાર તેમની તમામ વાજબી માંગણીઓ સ્વીકારીને યોગ્ય પગલાં નહીં ભરે, ત્યાં સુધી આ ઝુંબેશ અને સંઘર્ષ સતત ચાલુ રહેશે. કાર્યકરોના આકરા વલણને જોતાં વહીવટી તંત્ર દ્વારા સચિવાલય આસપાસ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.






