Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 6 killed in building collapse in Delhi, ABVP vandalizes MCD office

VIDEO: દિલ્હીમાં બિલ્ડિંગ ધરાશાયી ઘટનામાં 6ના મોત, MCD ઓફિસમાં ABVPની તોડફોડ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં સત્ય નિકેતન માર્કેટ ખાતે રવિવારે બપોરે એક બહુમાળી PG ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. બેઝમેન્ટમાં ચાલી રહેલા સમારકામ અને ખોદકામ દરમિયાન પિલર ખસી જતાં અચાનક આખી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ હતી. જેમાં અંદર રહેતા દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શ્રમિકો કાટમાળ નીચે દબાયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બચાવ ટીમો દ્વારા 11 લોકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પાસે બનેલી આ ઘટના બાદ એનડીઆરએફ, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

App Store

આખું તંત્ર ઘટનાસ્થળે : પૂરજોશમાં બચાવ કામગીરી

સત્ય નિકેતન માર્કેટમાં નાનકપુરા ગુરુદ્વારા નજીક આવેલી આ ઇમારત રવિવારે બપોરે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસ અને સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનને આ ઘટના અંગેની માહિતી બપોરે આશરે 1:33 થી 1:34 વાગ્યે મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ, એનડીઆરએફ (NDRF), દિલ્હી પોલીસ, ડીડીએમએ (DDMA) અને કેટ્સ (CATS) એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોઈન્ટ સીપી નવી દિલ્હી રેન્જ, ડીસીપી સાઉથ-વેસ્ટ અને એડિશનલ ડીસીપી ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઓપરેશનની સીધી દેખરેખ રાખી રહ્યા છે.દિલ્હી પોલીસે શરૂઆતી માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે સાઉથ-વેસ્ટ દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

40-50 વર્ષ જૂની ઇમારત, બેઝમેન્ટમાં ખોદકામથી પિલર ખસ્યો

દિલ્હી પોલીસની સ્થાનિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ધરાશાયી થયેલી ઇમારત આશરે 40 થી 50 વર્ષ જૂની હતી. તેમાં બેઝમેન્ટ ઉપરાંત ઉપર પાંચ માળ આવેલા હતા અને સમગ્ર બિલ્ડિંગનો ઉપયોગ પેઇંગ ગેસ્ટ (PG) તરીકે કરવામાં આવતો હતો. આસપાસ રહેતા વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, અહીં એક માળ પર 4 રૂમ અને આશરે 10 બેડ હોય છે, જ્યાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ રહેતા હતા. મુખ્યમંત્રીએ વિગતો આપતાં જણાવ્યું કે બેઝમેન્ટમાં ખોદકામ અને સમારકામ ચાલી રહ્યું હતું, જેના કારણે મુખ્ય પિલર ખસી ગયો અને પત્તાના મહેલની જેમ આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ બિલ્ડિંગ અગાઉ એક વર્ષ પહેલાં ખાલી પણ કરાવાઈ હતી, છતાં ફરી વિદ્યાર્થીઓને રહેવા માટે રાખવામાં આવ્યા હતા.

મૃતકોમાં વિદ્યાર્થી યુવરાજ સામેલ, ઘાયલોમાં વિદ્યાર્થીઓ અને શ્રમિકો

દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. કાટમાળમાંથી બચાવાયેલા લોકોમાં 4 વિદ્યાર્થીઓ અને 2 શ્રમિકોનો સમાવેશ થાય છે. ઘાયલ વિદ્યાર્થીઓ અભિષેક, નીરજ અને આદિત્યને એઈમ્સ (AIIMS) ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની હાલત સ્થિર છે, જ્યારે અન્ય એક અજ્ઞાત વિદ્યાર્થીની આર આર (R.R.) હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘાયલ શ્રમિક અસગર અલીની એઈમ્સમાં અને અયાનની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આધુનિક ઉપકરણો સાથે આખી રાત ચાલશે સર્ચ ઓપરેશન

એનડીઆરએફ (NDRF) ના આઈજી એન.એસ. બુંદેલાના જણાવ્યા મુજબ, એનડીઆરએફના 70 જવાનો, ડોગ સ્ક્વોડ અને અત્યાધુનિક ઉપકરણો સાથે કાટમાળ હટાવી રહ્યા છે. બચાવ કામગીરી માટે ડાયમંડ ચેન સો, હાઇડ્રોલિક જેક, ઇન્ફ્લેટેબલ બેગ્સ, કોમ્બી કટર, પ્લાઝમા કટર તેમજ કાટમાળમાં દબાયેલા લોકોનો શ્વાસ પારખવા લાઇફ ડિટેક્ટર્સનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુરુગ્રામ સ્થિત બિલ્ડિંગ માલિક આનંદ બંસલ સામે પોલીસે એફઆઈઆર (FIR) નોંધી છે. ભાજપ સાંસદ રામવીર સિંહ બિધૂડીએ જણાવ્યું કે આ ઘટનાની તપાસ માટે એક વિશેષ કમિટી બનાવી દેવામાં આવી છે. સ્થળ પર ફ્લડ લાઇટ્સ ગોઠવી દેવામાં આવી છે અને આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું- જવાબદાર કોઈ પણ હોય, બક્ષવામાં નહીં આવે

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ એઈમ્સ ટ્રોમા સેન્ટર પહોંચી ઘાયલ વિદ્યાર્થીઓ અને શ્રમિકોના ખબરઅંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રીએ આકરા શબ્દોમાં જણાવ્યું કે, ‘કાટમાળમાંથી 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઇમારત જૂની હતી અને બેઝમેન્ટમાં ખોદકામ ચાલી રહ્યું હતું જેના લીધે પિલર ખસી જતાં સમગ્ર ઘટના બની. અમારી પહેલી પ્રાથમિકતા બાળકોના જીવ બચાવવાની છે. પરંતુ સ્પષ્ટ કરી દઉં કે આ દુર્ઘટનામાં જે પણ દોષિત હશે - પછી તે બિલ્ડિંગ માલિક હોય કે કોઈ સરકારી અધિકારી - તેમને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.’

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

સત્ય નિકેતનની કરુણાંતિકા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પીએમઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે વહીવટીતંત્ર સ્થળ પર સક્રિય છે અને અસરગ્રસ્તોને તમામ સહાય પૂરી પાડી રહ્યું છે.

MCD ઓફિસમાં ABVPનો ઉગ્ર વિરોધ અને તોડફોડ

ઇમારત ધરાશાયી થવાની ઘટના અને વિદ્યાર્થીઓના મોતના પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. રવિવારે મોટી સંખ્યામાં એબીવીપી સભ્યોએ સિવિક સેન્ટર સ્થિત એમસીડી (MCD) હેડક્વાર્ટર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કચેરીમાં તોડફોડ કરી હતી. વિદ્યાર્થી પરિષદે એમસીડીની ઘોર બેદરકારી ગણાવી કમિશનરના તાત્કાલિક રાજીનામાની માંગણી કરી છે.

વિદ્યાર્થીઓ માટે સ્થિતિ જીવલેણ બની: રાહુલ ગાંધી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દબાયા હોવાની ઘટના દર્દનાક છે. તેમણે કહ્યું કે કોલેજોમાં પૂરતા હોસ્ટેલ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ એક જ PGમાં 40-40ની સંખ્યામાં અમાનવીય રીતે રહેવા મજબૂર છે અને આ સ્થિતિ હવે જીવલેણ બની ચૂકી છે. એનએસયુઆઈ (NSUI) અને કોંગ્રેસ કાર્યકરો સ્થળ પર મદદમાં જોડાયા છે.

સરકારે ઊંઘમાંથી જાગવું પડશે: અરવિંદ કેજરીવાલ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવી કહ્યું કે તંત્રની બેદરકારીને લીધે સતત દુર્ઘટનાઓ બની રહી છે અને સરકારે ઊંઘમાંથી જાગી કડક પગલાં લેવા પડશે. બીજી તરફ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે આ સમગ્ર મામલાની ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી છે અને સીલ કરાયેલી ઇમારતનું સીલ કોના કહેવા પર હટાવાયું તેની જવાબદારી નક્કી કરવા જણાવ્યું છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News