Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 3 dead, many feared trapped under debris as building collapses in Delhi

દિલ્હીમાં ઇમારત ધરાશાયી થતા અત્યાર સુધીમાં 5નાં મોત, કાટમાળ નીચે અનેક લોકો ફસાયાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2026
લાઇવ ટીવીGoogle News
દિલ્હીમાં ઇમારત ધરાશાયી થતા અત્યાર સુધીમાં 5નાં મોત, કાટમાળ નીચે અનેક લોકો ફસાયાની આશંકા
સોર્સ : gstv

દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં સત્ય નિકેતન માર્કેટ ખાતે રવિવારે બપોરે એક બહુમાળી પીજી (PG) ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. બેઝમેન્ટમાં ચાલી રહેલા સમારકામ દરમિયાન અચાનક આખી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ જતાં અંદર હાજર વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો કાટમાળ નીચે દબાયા હતા. બચાવ ટુકડીઓએ અત્યાર સુધીમાં 8 લોકોને બહાર કાઢ્યા છે, જેમાંથી 5 લોકોના મોત નીપજ્યા છે. દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પાસે બનેલી આ ઘટના બાદ એનડીઆરએફ, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

App Store

આખુ તંત્ર ઘટનાસ્થળે : પૂરજોશમાં બચાવ કામગીરી

સત્ય નિકેતન માર્કેટમાં નાનકપુરા ગુરુદ્વારા નજીક આવેલી આ ઇમારત રવિવારે બપોરે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસ અને સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનને આ ઘટના અંગેની માહિતી બપોરે આશરે 1:33 થી 1:34 વાગ્યે મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ, એનડીઆરએફ (NDRF), દિલ્હી પોલીસ, ડીડીએમએ (DDMA) અને કેટ્સ (CATS) એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોઈન્ટ સીપી નવી દિલ્હી રેન્જ, ડીસીપી સાઉથ-વેસ્ટ અને એડિશનલ ડીસીપી ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઓપરેશનની સીધી દેખરેખ રાખી રહ્યા છે.

દિલ્હી પોલીસે શરૂઆતી માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે સાઉથ-વેસ્ટ દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

બિલ્ડિંગ પાંચ માળની અને એ પણ 40-50 વર્ષ જૂની

દિલ્હી પોલીસની સ્થાનિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ધરાશાયી થયેલી ઇમારત આશરે 40 થી 50 વર્ષ જૂની હતી. તેમાં બેઝમેન્ટ ઉપરાંત ઉપર પાંચ માળ આવેલા હતા અને સમગ્ર બિલ્ડિંગનો ઉપયોગ પેઇંગ ગેસ્ટ (PG) તરીકે કરવામાં આવતો હતો. આ વિસ્તાર દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસની નજીક હોવાથી અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. દુર્ઘટના સમયે બેઝમેન્ટમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આખી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બિલ્ડિંગ અગાઉ એક વર્ષ પહેલાં ખાલી પણ કરાવાઈ હતી, તેમ છતાં ઉપરના માળ પર ફરીથી વિદ્યાર્થીઓ રહેતા હોવાની વિગતો સામે આવી છે.

અત્યાર સુધીમાં 5 લોકોના મોત

સાંજે 6:26 વાગ્યા સુધીના સત્તાવાર અપડેટ્સ અનુસાર, કાટમાળમાંથી અત્યાર સુધીમાં 8 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 5 લોકોના મોત નીપજ્યા છે. કાટમાળમાંથી બહાર કઢાયેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક એઈમ્સ (AIIMS) જય પ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. એઈમ્સના જણાવ્યા મુજબ, હોસ્પિટલ લવાયેલા દર્દીઓ પૈકી બે દર્દીઓની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે એક વ્યક્તિને મૃત હાલતમાં જ લાવવામાં આવી હતી. બચાવ કામગીરીમાં જોડાયેલા એક રેસ્ક્યૂ વર્કરને પણ સામાન્ય ઈજાઓ થતાં સારવાર આપી રજા આપવામાં આવી છે.

માલિક સામે એફઆઈઆર, આખી રાત ચાલશે સર્ચ ઓપરેશન

આ દુર્ઘટના મામલે ગુરુગ્રામ સ્થિત ઇમારતના માલિક આનંદ બંસલ સામે પોલીસે એફઆઈઆર (FIR) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજેપી સાંસદ રામવીર સિંહ બિધૂડીએ જણાવ્યું કે સરકારે તપાસ કમિટીની રચના કરી છે અને દોષિતો સામે આકરા પગલાં લેવાશે. એનડીઆરએફ (NDRF) ના આઈજી એન.એસ. બુંદેલાના જણાવ્યા મુજબ, એનડીઆરએફના 70 જવાનો, ડોગ સ્ક્વોડ અને આધુનિક કટર મશીનો સાથે સતત કાટમાળ ખસેડી રહ્યા છે. કાટમાળ નીચે હજુ પણ લોકો દબાયેલા હોવાની આશંકા વચ્ચે સ્થળ પર ફ્લડ લાઈટ્સ લગાવી દેવામાં આવી છે અને સમગ્ર બચાવ કામગીરી આખી રાત ચાલુ રાખવામાં આવશે.

મુખ્યમંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા, આસપાસના મકાનો ખાલી કરાવાયા

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાંજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગ્રાઉન્ડ ઝીરો પર ચાલી રહેલી બચાવ કામગીરીની જાતમાહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "સત્ય નિકેતનમાં બનેલી આ ઘટના અત્યંત પીડાદાયક છે. ડીડીએમએ, એનડીઆરએફ, દિલ્હી ફાયર સર્વિસ, દિલ્હી પોલીસ, એમસીડી અને સિવિલ ડિફેન્સની ટીમો યુદ્ધના ધોરણે કામે લાગી છે. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઇમારતો પણ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે." બીજી તરફ દિલ્હીના મેયર પ્રવેશ વાહીએ પણ જણાવ્યું કે રાહત ટુકડીઓ લોકોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

વિદ્યાર્થીઓ માટે સ્થિતિ જીવલેણ બની: રાહુલ ગાંધી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે દિલ્હી યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દબાયા હોવાની માહિતી હૃદયદ્રાવક છે. તેમણે તમામ બચાવ દળોને દરેક વિદ્યાર્થી સુધી ઝડપથી પહોંચવા અને શ્રેષ્ઠ સારવાર આપવા અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, "કોંગ્રેસ અને એનએસયુઆઈ (NSUI) ના કાર્યકરો ગ્રાઉન્ડ પર મદદ માટે હાજર છે. કોલેજોમાં પૂરતા હોસ્ટેલ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ એક જ PGમાં 40-40ની સંખ્યામાં અમાનવીય પરિસ્થિતિઓમાં રહેવા મજબૂર છે. વિદ્યાર્થીઓનું જીવન પહેલાંથી જ સંઘર્ષમય હતું અને હવે સ્થિતિ જીવલેણ બની ગઈ છે. દરેક વિદ્યાર્થીનો જીવ કિંમતી છે."

સરકારે ઊંઘમાંથી જાગવું પડશે: અરવિંદ કેજરીવાલ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મુદ્દે સરકાર પર પ્રહારો કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, "સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે. દિલ્હીમાં સરકારની બેદરકારીના કારણે અગાઉ પણ આવા બનાવો બન્યા છે. સરકારે હવે ઊંઘમાંથી જાગવું પડશે અને મોટા પાયે પગલાં ભરીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે."

સાથે જ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરતાં સવાલ ઉઠાવ્યો હતો કે જે બિલ્ડિંગ અગાઉ સીલ કરવામાં આવી હતી તેનું સીલ કોના આદેશથી હટાવાયું હતું, તેની જવાબદારી એમસીડી (MCD) અને દિલ્હી સરકારે નક્કી કરવી પડશે.