Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 5 people including two innocent girls die in a horrific accident in two states

કાળ બનીને દોડ્યા ટ્રેલર: બે રાજ્યોમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે માસૂમ બાળકીઓ સહિત ૫ લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
કાળ બનીને દોડ્યા ટ્રેલર: બે રાજ્યોમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે માસૂમ બાળકીઓ સહિત ૫ લોકોના મોત
સોર્સ : gstv

Road Accidents in Jharkhand & Rajasthan: ઝારખંડ અને રાજસ્થાનમાંથી રવિવારે વહેલી સવારે બે અલગ-અલગ ભયાનક માર્ગ અકસ્માતો સર્જાયા છે, જેમાં અનિયંત્રિત ટ્રેલરની ટક્કરથી બે માસૂમ બાળકીઓ સહિત કુલ 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. સ્પીડમાં આવી રહેલા અનિયંત્રિત ટ્રેલરોએ સર્જેલી આ તબાહીમાં બે માસૂમ બાળકીઓ સહિત કુલ 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા છે.

App Store

ઝારખંડના હઝારીબાગમાં હોટેલ બહાર ઊભેલા વાહનો પર ટ્રેલર ફરી વળ્યું, 2 ના મોત

ઝારખંડના હઝારીબાગ જિલ્લાના ચરહી નેશનલ હાઈવે (NH) પર આવેલા ઓવરબ્રિજ પાસે રવિવારે સવારે આશરે 6 વાગ્યે એક દર્દનાક અકસ્માત થયો હતો. બિહાર શરીફથી ઈંટો ભરીને રાંચી તરફ જઈ રહેલું એક તેજ રફતાર ટ્રેલર અચાનક કાબૂ બહાર ગયું હતું અને રસ્તા કિનારે આવેલી પ્રકાશ હોટેલ પાસે ઊભેલા ત્રણ વાહનો સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેલરનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને તેમાં સવાર બે લોકોના દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસ મુજબ, અકસ્માતનો ભોગ બનેલો એક ટ્રક ચાલક ચા પીવા માટે હોટેલ પાસે ઊભો રહ્યો હતો, ત્યારે જ પાછળથી આવેલા કાળમુખા ટ્રેલરે તેને અડફેટે લીધો હતો. ચરહી પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

રાજસ્થાનના રાજસમંદમાં વેકેશન માણવા આવેલી બે માસૂમ દીકરીઓ અને યુવકનું મોત

બીજી તરફ, રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના સેલાગુડા ગામ નજીક ભેરુજી મોડ પર રવિવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેકાબૂ ટ્રેલરે સામેથી આવી રહેલી બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે માસૂમ બાળકીઓ અને એક યુવકનું દર્દનાક મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા અને અન્ય એક બાળકી ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા છે. મળતી વિગતો અનુસાર, ગરમીની રજાઓ (વેકેશન) હોવાથી આ મહિલા પોતાના બાળકો સાથે પીહર આવી હતી અને આ ખુશીનો માહોલ પળભરમાં માતમમાં ફેરવાઈ ગયો હતો. આમેટ થાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશોને કબજે કરી તપાસ શરૂ કરી છે.

ગઇકાલે અલવરમાં પણ એક્સપ્રેસ-વે પર સ્લીપર બસ પલટી હતી

નોંધનીય છે કે રાજસ્થાનમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આ ઘટનાના એક દિવસ પહેલા એટલે કે 23 મેના રોજ અલ્વર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ડ્રાઈવરને જોકું આવી જતાં એક સ્લીપર કોચ બસ કાબૂ બહાર જઈને ઊંડા ખાડામાં પલટી ગઈ હતી. મધ્ય પ્રદેશથી ઉત્તર પ્રદેશ જઈ રહેલી આ બસના અકસ્માતમાં આશરે 40 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી 6 ની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.