ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ; દિલ્હી-NCR સુધી અનુભવાયા આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

દિલ્હી અને તેની આસપાસના સમગ્ર NCR વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. વિવિધ વિસ્તારોમાં થોડી ક્ષણો માટે ધરતી ધ્રૂજતા અનેક લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર નીકળી ખુલ્લી જગ્યાએ આવી ગયા હતા.
4.4ની તીવ્રતાનો ભૂકંપ
પ્રાથમિક માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં રાત્રે આશરે 10:25 વાગ્યે 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડના ખદુન લગા ગવાલીથી આશરે 22 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. આંચકાની અસર દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી.
લોકોમાં ભયનો માહોલ
ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને ઊંચી ઇમારતોમાં રહેતા લોકો પણ સાવચેતીના ભાગરૂપે બહાર આવ્યા હતા. ભૂકંપની ઊંડાઈ અંગેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. રાહતની વાત એ છે કે હાલ સુધી કોઈ જાનહાનિ કે જાનમાલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

