VIDEO: સુપરહિટ GDP ગ્રોથ રેટના દાવા વચ્ચે 25 ટકા યુવાનો બેરોજગાર! ના નોકરી કરી રહ્યા છે, ના અભ્યાસ
ભારત વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ હોવાનો ગર્વ લે છે. યુવાનો કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનું મુખ્ય એન્જિન હોય છે, પરંતુ શું આ માનવ સંસાધનની વાસ્તવિક ક્ષમતાનો સદુપયોગ થઈ રહ્યો છે? આ સવાલ વચ્ચે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સામયિક શ્રમ દળ સર્વેક્ષણના અહેવાલે ગંભીર ચિંતા ઊભી કરી છે. 18 સપ્ટેમ્બરના રોજ જાહેર થયેલા વર્ષ 2025ના જિલ્લા સ્તરીય સર્વે મુજબ, દેશના આશરે 250 જિલ્લાઓમાં 15થી 29 વર્ષની વયના ઓછામાં ઓછા 25 ટકા યુવાનો સાવ ખાલી બેઠા છે. તેઓ ન તો કોઈ નોકરી કરે છે, ન અભ્યાસ કરી રહ્યા છે અને ન તો કોઈ સ્કિલ ટ્રેનિંગ લઈ રહ્યા છે. બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના લગભગ બે-તૃતીયાંશ જિલ્લાઓમાં 25 ટકાથી વધુ યુવાનો NEET કેટેગરીમાં છે. એટલે કે અહીં દર 4 માંથી 1 યુવા સાવ નવરો છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, આસામ અને તેલંગાણાના લગભગ અડધા જિલ્લાઓમાં પણ 25 ટકા યુવાનો આ જ કેટેગરીમાં સામેલ છે. આ અહેવાલ તૈયાર કરવા માટે મોટા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 600 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા.

