Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 15 million year old asura hadda fossils found in odisha baripada college field trip

1.5 કરોડ વર્ષ જૂનાં અસુરોના હાડકાં મળ્યાં, જાણો શું છે આ ‘દૈત્યના હાડકાં’નું રહસ્ય?

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
1.5 કરોડ વર્ષ જૂનાં અસુરોના હાડકાં મળ્યાં, જાણો શું છે આ ‘દૈત્યના હાડકાં’નું રહસ્ય?
સોર્સ : GSTV
Demons Bones Found in Odisha: ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં એક કોલેજ ફિલ્ડ ટ્રિપ દરમિયાન પ્રીહિસ્ટોરિક કાળના દરિયાઈ ફોસિલનો એક મોટો સંગ્રહ મળી આવ્યો છે. આશરે 1.5 કરોડ વર્ષ જૂની આ શોધને સ્થાનિક લોકો પરંપરાગત રીતે અસુરોના હાડકાં એટલે કે ‘દૈત્યના હાડકાં’ તરીકે ઓળખે છે. આ ઐતિહાસિક શોધે આ પ્રદેશના કરોડો વર્ષ જૂના દરિયાઈ ભૂતકાળ પર નવો પ્રકાશ પાડ્યો છે અને વૈજ્ઞાનિકોમાં ભારે કુતૂહલ જગાવ્યું છે.
App Store
 
આ મહત્ત્વપૂર્ણ શોધ મયૂરભંજ જિલ્લાના બારીપદામાં થઈ છે. આ સંશોધન દર્શાવે છે કે એક સમયે આજના મયૂરભંજના મોટા ભાગના વિસ્તાર પર એક વિશાળ અને છીછરો સમુદ્ર ફેલાયેલો હતો. સંશોધકોના મતે, આ ફોસિલ આશરે 1.5 કરોડ વર્ષ પહેલાંના ‘માયોસીન યુગ’ દરમિયાન અહીં વિકસેલી સમૃદ્ધ દરિયાઈ જીવસૃષ્ટિના પાકા પુરાવા પૂરા પાડે છે.
 

વિદ્યાર્થીઓના પ્રવાસે ખોલ્યા પ્રીહિસ્ટોરિક કાળના રહસ્યો

 
આ ફોસિલ બારીપદાના પ્રખ્યાત 'ફોસિલ બેડ'માંથી મળી આવ્યા છે, જે કુલિયાણા બ્લોકના ડેરા ગામથી લઈને બડાસાહી બ્લોકના પ્રતાપપુર સુધી વિસ્તરેલો છે. મહારાજા શ્રીરામ ચંદ્ર ભંજા દેવ (MSCB) યુનિવર્સિટીના GIS વિભાગના સંશોધક અને પ્રોફેસર ડૉ. દેવવ્રત નંદીએ જણાવ્યું કે, આ શોધ અચાનક જ વિદ્યાર્થીઓ સાથેની એક ફિલ્ડ વિઝિટ દરમિયાન થઈ હતી.
 
ડૉ. નંદીએ વિગતો આપતા કહ્યું, “હું જ્યારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસે લઈ ગયો હતો, ત્યારે મારું ધ્યાન ફોસિલ જેવા કેટલાક અવશેષો પર ગયું. અમે જ્યારે સ્થાનિક ગ્રામજનોને આ અંગે પૂછ્યું, ત્યારે તેમણે આશ્ચર્યજનક રીતે આને અસુરોના હાડકાં કહ્યા. ત્યારબાદ અમારી ટીમે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી તો ત્યાંથી શાર્કના દાંત અને શાર્કની કરોડરજ્જુ જેવા અનેક માઇક્રોફોસિલ્સ મળી આવ્યા. આ સિવાય કેટલાક એવા અવશેષો પણ મળ્યા છે, જેની વૈજ્ઞાનિક ઓળખ મેળવવાની પ્રક્રિયા હજુ ચાલુ છે.”
 
 

શોધાયેલા ફોસિલમાં 50% હિસ્સો શાર્કનો

 
પ્રાથમિક તપાસ બાદ સંશોધકોએ આ સ્થળેથી શાર્કના દાંત, શાર્કની કરોડરજ્જુ, માછલીઓના હાડકાં, મોલસ્કના શેલ્સ અને પ્રાચીન સૂક્ષ્મ દરિયાઈ જીવોના અવશેષો અલગ તારવ્યા છે. આ આખા અભ્યાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, અહીંથી મળેલાં કુલ માછલીઓના ફોસિલમાં લગભગ 50% જેટલો મોટો હિસ્સો માત્ર શાર્કના અવશેષોનો જ છે.
 
ડૉ. નંદીએ સ્પષ્ટ કર્યું કે, “આ ફોસિલ 1.5 કરોડ વર્ષ જૂના માયોસીન યુગના છે. જો આ વિસ્તાર ભૂતકાળમાં દરિયાઈ પટ્ટો ન હોત, તો અહીં શાર્કના દાંત કે અન્ય દરિયાઈ પ્રાણીઓના અવશેષો મળવા અશક્ય હતા. આ ફોસિલની હાજરી જ એ સાબિત કરવા માટે પૂરતી છે કે આ જમીન ક્યારેક સમુદ્રના પેટાળમાં ડૂબેલી હતી.”
 

સમુદ્ર 60 કિલોમીટર પાછો કેમ ખસી ગયો? ઊભા થયા નવા સવાલો

 
આ શોધે વૈજ્ઞાનિકો સામે એક નવો કોયડો પણ મૂક્યો છે. હાલમાં બારીપદાથી સમુદ્ર કિનારો આશરે 60 કિલોમીટર દૂર છે. ડૉ. નંદીએ ભારપૂર્વક જણાવ્યું કે, સમુદ્ર આટલો દૂર કેમ ખસી ગયો તે સમજવા માટે હજુ વ્યાપક સંશોધનની જરૂર છે. શું આ ફેરફાર કોઈ મોટા આબોહવા પરિવર્તનને કારણે થયો હતો કે પછી કોઈ કુદરતી આપત્તિ જવાબદાર હતી? તે જાણવું પૃથ્વીના ઇતિહાસ માટે ખૂબ મહત્ત્વનું સાબિત થશે.
 

‘જિયો-હેરિટેજ સાઇટ’ તરીકે વિકસાવવાની માંગ

 
આ સ્થળના અત્યંત ઉચ્ચ વૈજ્ઞાનિક મહત્ત્વને જોતાં, ડૉ. નંદીએ આ ફોસિલ બેડના સંરક્ષણ અને તેને 'જિયો-હેરિટેજ સાઇટ' તરીકે જાહેર કરવાની માંગ કરી છે. ઓડિશામાં માયોસીન યુગના ફોસિલ ધરાવતું આ એકમાત્ર જાણીતું સ્થળ છે. જો સરકાર અહીં એક 'ફોસિલ પાર્ક' બનાવે અથવા તેને ભૂ-વારસા સ્થળ જાહેર કરે, તો અહીં ભૂ-પર્યટનને મોટો વેગ મળશે અને વૈજ્ઞાનિકોને ભવિષ્યના વ્યાપક સંશોધનો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ મળી રહેશે.
 
નિષ્ણાતોના મતે, બારીપદા ફોસિલ બેડમાં ભારતનું એક મોટું વૈજ્ઞાનિક અને પર્યટન કેન્દ્ર બનવાની તમામ ક્ષમતાઓ રહેલી છે, જે ઓડિશાના કરોડો વર્ષ જૂના પ્રીહિસ્ટોરિક પર્યાવરણના રહસ્યો દુનિયા સામે લાવશે.