Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 125 years of heat record broken ! After August, even in September, there is a big rain crisis

VIDEO: 125 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો ! ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદનું મોટું સંકટ

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અલ નીનોની અસરને કારણે દેશમાં વરસાદની સતત ઘટ જોવા મળી રહી છે, તો બીજી બાજુ દેશના કેટલાક રાજ્યોમાં ભારે ગરમીની પણ IMD દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, વર્ષ 2026નો ઓગસ્ટ મહિનો 1901 પછી એટલે કે, છેલ્લા 125 વર્ષોમાં સૌથી ગરમ ઓગસ્ટ તરીકે નોંધાયો છે. ઓગસ્ટમાં સરેરાશ તાપમાન 28.01 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. બીજી તરફ, હવે સપ્ટેમ્બર મહિનામાં પણ દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની ધારણા છે, જેના કારણે તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે. આ ભયાનક સૂકા હવામાન અને ગરમીનું મુખ્ય કારણ પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલી મજબૂત અલ નીનો (El Nino) ની અસર છે.

App Store

અલ નીનોનો ભયાનક ખતરો

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ દેશ સમક્ષ ઓગસ્ટ મહિનાનો જે આંકડો રજૂ કર્યો છે, તે અત્યંત ચિંતાજનક છે. ઓગસ્ટ 2026નું સરેરાશ તાપમાન 28.01 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સામાન્ય સરેરાશ 27.34 ડિગ્રી સેલ્સિયસ હોવી જોઈએ. એટલું જ નહીં, રાત્રિનું સરેરાશ ન્યૂનતમ તાપમાન પણ રેકોર્ડ તોડીને 24.36 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયું હતું. પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન ખૂબ વધી ગયું છે, અને આ અલ નીનોની પરિસ્થિતિ આગામી મહિનાઓમાં વધુ મજબૂત થવાની સંભાવના છે, જે ચોમાસાને સંપૂર્ણપણે અસર કરી રહી છે.

વરસાદનો ગ્રાફ 91% થી પણ નીચે જવાની શક્યતા

IMDના પૂર્વાનુમાન મુજબ, સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં કુલ માસિક વરસાદ સામાન્ય (LPA ના 91% થી ઓછો) કરતાં ઘણો ઓછો રહેવાનો છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરનો 30 થી 50 વર્ષનો લોંગ પિરિયડ એવરેજ (LPA) આશરે 167.9 મીમી વરસાદનો હોય છે, પરંતુ આ વખતે વાદળો માત્ર તરસાવશે. ઓગસ્ટમાં પણ દેશને માત્ર 213.3 મીમી વરસાદ મળ્યો હતો, જે 2001 પછીનો 7મો સૌથી ઓછો વરસાદ છે. ઓગસ્ટમાં 4 લો-પ્રેશર સિસ્ટમ બની હતી, અને તે 26 દિવસ સુધી સક્રિય રહી હતી, પરંતુ તેની અસર માત્ર ગંગાના મેદાની વિસ્તારો સુધી જ મર્યાદિત રહી હતી, જ્યારે બાકીનો સમગ્ર ભારત વિસ્તાર સૂકો અને ગરમી સહન કરતો રહ્યો હતો.

દિવસ દરમિયાન ધખધખતો તડકો, રાત પણ ગરમ રહેશે

હવામાન વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સપ્ટેમ્બરમાં માત્ર વરસાદની અછત જ નહીં સતાવે પરંતુ દિવસનું મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઘણું ઊંચું રહેશે. એકંદરે હવામાનનો આ હોટ એન્ડ ડ્રાય ફેઝ આપણા સૌ માટે એક મોટો પડકાર બનવા જઈ રહ્યો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News