VIDEO: ચાંદોદથી વડોદરા સુધી શિવભક્તિનો મહાકુંભ: ૧૨૫ કાવડયાત્રીઓએ હાથ ધરી પગપાળા યાત્રા!
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ વડોદરાના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા ૧૨૫ જેટલા શિવભક્ત કાવડયાત્રીઓએ ડભોઇના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પવિત્ર નર્મદા જળ ભરી વડોદરાના મોટનાથ મહાદેવ જવા પગપાળા પ્રસ્થાન કર્યું છે. મૂળ રાજસ્થાન અને હરિયાણાના વતની અને વડોદરામાં સ્થાયી થયેલા શિવભક્તોના આ સમૂહ દ્વારા સતત ૧૯મા વર્ષે આ ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રીઓએ ચાંદોદના મલ્હારરાવ ઘાટ પર નર્મદા સ્નાન અને વિધિવત પૂજન-અર્ચન કરી કાવડમાં પવિત્ર જળ ભરીને આસ્થા સાથે યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આયોજક મદનલાલ શર્માના જણાવ્યા અનુસાર આ સંઘ ડભોઇ ખાતે વિસામો કરી સોમવારે રાત્રે વડોદરા પહોંચશે. આગામી ૧૧ ઓગસ્ટે શ્રાવણ માસની શિવરાત્રિના પવિત્ર દિને તમામ કાવડયાત્રીઓ હરણી સ્થિત મોટનાથ મહાદેવને નર્મદાજીના જળથી જળાભિષેક કરી જગત કલ્યાણની પ્રાર્થના કરશે.

