Dabhoi news: ચાંદોદથી નર્મદા જળ લઈ 100થી વધુ કાવડિયાઓ હરણી મોટનાથ શિવાલય જવા પગપાળા રવાના

Dabhoi news: શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વડોદરાના 100 ઉપરાંત કાવડિયાઓએ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પવિત્ર નર્મદા જળ લઈ હરણી મોટનાથ શિવાલય જવા પગપાળા પ્રસ્થાન કર્યું હતું.
હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાં એક ભગવાન શિવજીને સમર્પિત થવાના પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો તા. 24 જુલાઈ ગુરૂવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મૂળ રાજસ્થાન-હરિયાણાના તેમજ વર્ષોથી વડોદરા સ્થાયી થયેલા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શિવભક્ત કાવડિયાઓ વર્ષ 2008થી નિરંતર ચાલી આવતી પરંપરાને જાળવી રાખી આજે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્રના નર્મદા કિનારે આવી પહોંચ્યા હતા ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે પવિત્ર જળમાં ડૂબકી લગાવી નર્મદા મૈયાનું પૂજન અર્ચન,દિવ્ય આરતી કરી માતાજીને શ્રીફળ અર્પણ કર્યા બાદ નર્મદા જળ લઈ હર હર મહાદેવ-બમ બમ ભોલેના જયકારા સાથે 100 ઉપરાંત કાવડિયાઓએ પગપાળા વડોદરા જવા પ્રસ્થાન કર્યું હતું.
અંદાજિત 65 કિલોમીટરનું અંતર કાપી આ કાવડિયાઓ 23 જુલાઈને બુધવારના રોજ વડોદરા હરણીના મોટનાથ શિવાલય ખાતે પહોંચી નર્મદા જળથી શિવજીનો જલાભિષેક કરી મહાદેવજીની પ્રસન્નતા પ્રાપ્ત કરશે. વર્ષોથી કાવડયાત્રાનું ભક્તિસભર આયોજન કરતા મદનલાલ શર્માએ જણાવ્યું હતું કે, આ કાવડયાત્રામાં યુવાનો સહિતના શિવભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાયછે અને દર વર્ષે સતત શ્રદ્ધાળુઓમાં વધારો વધારો થતો રહ્યો છે.

