Vastu Tips / પૂજા દરમિયાન હાથમાંથી થાળી પડવી કે દીવો તૂટવો શુભ કે અશુભ? જાણો શાસ્ત્રો અનુસાર તેના સંકેતો

હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં પૂજા-અર્ચના દરમિયાન બનતી નાની-મોટી ઘટનાઓને ખાસ સંકેતો તરીકે જોવામાં આવે છે. પૂજા કરતી વખતે કેટલીક વસ્તુઓનું અચાનક પડી જવું કે તૂટી જવું એ ભવિષ્યમાં બનનારી ઘટનાઓ અથવા ઘરમાં રહેલી ઉર્જા તરફ ઈશારો કરે છે. વાસ્તુ મુજબ આવા સંકેતોને અવગણવા ન જોઈએ. ચાલો જાણીએ કે પૂજા સામગ્રી સાથે જોડાયેલી આ ઘટનાઓનો વાસ્તુશાસ્ત્ર મુજબ શું અર્થ થાય છે:
મંદિરમાં મૂર્તિનું ખંડિત થવું
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘરમાં કે પૂજાસ્થળે અચાનક કોઈ દેવી-દેવતાની મૂર્તિ તૂટી કે ખંડિત થઈ જાય, તો એવું માનવામાં આવે છે કે પરિવાર પર કોઈ મોટું સંકટ કે મુશ્કેલી આવવાની હતી, જેને ભગવાને પોતાના પર લઈ લીધી છે.
શું કરવું?: ખંડિત મૂર્તિની પૂજા કરવી કે તેને ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી ઘરમાં માનસિક અશાંતિ અને નકારાત્મકતા આવી શકે છે. આવી મૂર્તિને આદરપૂર્વક કોઈ પવિત્ર નદી કે જળાશયમાં વિસર્જિત કરી દેવી જોઈએ.
પૂજાનો દીવો તૂટી જવો
પૂજા કરતી વખતે માટી કે ધાતુનો દીવો તૂટી જવો વાસ્તુ મુજબ શુભ સંકેત ગણાતો નથી. તે બનતા કામમાં અડચણો આવવા અથવા પૂજામાં એકાગ્રતાના અભાવનો સંકેત આપે છે.
શું કરવું?: તૂટેલા દીવાને કચરામાં ફેંકવાને બદલે પીપળાના ઝાડ નીચે મૂકી દેવો જોઈએ અથવા જળમાં પધરાવી દેવો જોઈએ. ત્યારબાદ નવો દીવો પ્રગટાવી પૂજા પૂર્ણ કરવી.
પૂજાની થાળી કે પાણીનો લોટો પડી જવો
પૂજા કરતી વખતે હાથમાંથી અચાનક થાળી છટકી જવી કે જળ ભરેલો લોટો ઢોળાઈ જવો એ વાસ્તુ અને જ્યોતિષ મુજબ આર્થિક ખેંચ અથવા પિતૃદોષ સાથે જોડાયેલો સંકેત હોઈ શકે છે.
શું કરવું?: જો આવી કોઈ ભૂલ અજાણતાં થઈ જાય, તો ગભરાયા વગર તરત જ ભગવાન સમક્ષ બે હાથ જોડીને ક્ષમાયાચના કરવી જોઈએ. આ ઉપરાંત ઘરમાં નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને જરૂર જણાય તો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવું હિતાવહ છે.

