VIDEO: વાવ-થરાદમાં ઈતિહાસ રચાયો! પ્રથમ જિલ્લા પંચાયત ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ, મંત્રી સ્વરૂપજી ઠાકોરે બિયોક ગામે આપ્યો વોટ
VIDEO: બનાસકાંઠા ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના વાવ અને થરાદ પંથક માટે આજે ઐતિહાસિક ક્ષણ છે. આ નવા રચાયેલા જિલ્લા માળખા હેઠળ પ્રથમવાર જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહીના આ પર્વને ઉજવવા માટે મતદારોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો.
મંત્રી સ્વરૂપજી ઠાકોરે કર્યું મતદાન
રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે આજે વહેલી સવારે પોતાના વતન બિયોક ગામે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઉભા રહીને તેમણે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ મંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાવ-થરાદની જનતા માટે આ પોતાની જિલ્લા પંચાયત ચૂંટવાની પ્રથમ તક છે, તેથી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ. તેમણે બનાસકાંઠાની જનતાને રેકોર્ડબ્રેક મતદાન કરવા માટે પણ હાર્દિક અપીલ કરી હતી.
ગરમી અને લગ્નગાળા વચ્ચે પણ જોમ
રાજ્યમાં અત્યારે આકરી ગરમી પડી રહી છે અને સાથે સાથે લગ્નગાળો પણ પૂરબહારમાં ખીલ્યો છે. આમ છતાં, વાવ અને થરાદના મતદારોએ પોતાની સામાજિક જવાબદારીની સાથે રાજકીય ફરજને પણ પ્રાધાન્ય આપ્યું છે. બપોરની ગરમીથી બચવા માટે લોકોએ વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈનો લગાવી હતી. અનેક નવયુગલો અને વૃદ્ધો પણ લોકશાહીના આ ઉત્સવમાં સહભાગી થવા ઉત્સાહભેર પહોંચ્યા હતા.

