VIDEO: ધરણીધરના ઢીમાં ગામં ફરી શાળા પરિસરમાં પાણી, 11 વર્ષથી હાલાકી ક્યારે જાગશે તંત્ર?
વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકા મથકે આવેલી શ્રી સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સામાન્ય વરસાદમાં પણ શાળા પરિસરમાં પાણી ભરાઈ જવાથી આખી શાળા તળાવમાં ફેરવાઈ જાય છે. વર્ષ ૨૦૧૫થી એટલે કે છેલ્લા ૧૧ વર્ષથી ચાલી આવતી આ ગંભીર સમસ્યા અંગે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. નરકાગાર જેવી આ પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાલાકી ભોગવી રહ્યા છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
રાજ્યમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવાની મોટી મોટી વાતો વચ્ચે ઢીમા ગામની શાળાના માસૂમ ભૂલકાઓ ગંદા અને પ્રદૂષિત પાણી વચ્ચેથી પસાર થઈને વર્ગખંડમાં જવા મજબૂર બન્યા છે. શાળા પરિસરમાં સતત ભરાતા પાણી સડી જવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જેથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં મૂકાયું છે. આ અંગે આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનોએ સ્થાનિક પંચાયતથી લઈને જિલ્લા શિક્ષણ વિભાગ સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર ખાતરીઓ જ આપવામાં આવી છે, પરંતુ જમીની સ્તરે પાણીના નિકાલ માટે કોઈ જ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

