VIDEO: વલસાડ: ઉમરગામના તુંબ ગામે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનો સામાન બળીને ખાખ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ગામે એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. મંડપ ડેકોરેટર્સના આ ગોડાઉનમાં લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગોડાઉનમાં આગ લાગી હોવાની માહિતી મળતા જ ઉમરગામ નગરપાલિકા અને ઉમરગામ નોટિફાઇડના ફાયર ફાઈટરો કાફલા સાથે તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે.
ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચીને તરત જ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી અને ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના પર કાબૂ મેળવતા ફાયર ફાઈટરોને બે કલાકથી વધુ સમયની ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
નુકસાનીનો અંદાજ
જો કે, આગની લપેટમાં આવવાના કારણે ગોડાઉનનું સ્ટ્રક્ચર અને તેમાં રાખેલો મંડપ ડેકોરેશનનો તમામ કિંમતી માલસામાન બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો છે, જેના કારણે મોટા આર્થિક નુકસાનની આશંકા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

