VIDEO: વલસાડમાં હજારો ટન કચરો સમુદ્રમાં જતાં પહેલાં જ હટાવાયો!
સોર્સ : gstv
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા નારગોલ દરિયાકિનારે કચરાની હારમાળા જોઈને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક નિર્ણય લઈ રવિવારના રોજ એક ભવ્ય મહા સફાઈ અભિયાનનું આયોજન કર્યું હતું. કલેક્ટરના આહવાન પર રવિવારની સવારે તમામ સામાજિક સંગઠનો, સરપંચો, તલાટીઓ, સરકારી અધિકારીઓ અને શાળાના બાળકો સહિત મોટું માનવ મહેરામણ દરિયાકિનારે ઉમટી પડ્યું હતું. જિલ્લા કલેક્ટરે પોતે પાવડો અને કોદાળી હાથમાં લઈ સફાઈ કામગીરીમાં જોડાતાં યુવાવર્ગ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહનો સંચાર થયો હતો. આ મહા અભિયાન દરમિયાન હજારો ટન કચરો સમુદ્રમાં પાછો તણાઈ જાય તે પહેલાં જ સફળતાપૂર્વક હટાવી લઈને દરિયાકિનારાને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. આ સરાહનીય કામગીરીને બ્રાઝિલથી આવેલી મહિલા પર્યટકે પણ બિરદાવીને અભિયાનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

