અરબ સાગરમાં મોટું ઓપરેશન: 526 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલી પાકિસ્તાની બોટ ઉમરગામના દરિયા કિનારે લવાઈ

અરબ સાગરમાંથી ગુજરાત ATS, ભારતીય કોસ્ટ ગાર્ડ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના સંયુક્ત ઓપરેશન દરમિયાન 3,000 કરોડ રૂપિયાના 526 કિલો ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલી પાકિસ્તાની બોટ 'આઝાદ'ને શુક્રવારે (બીજી ઓક્ટોબર) વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત નારગોલ જેટી કિનારે લાવવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે બોટને દરિયાકિનારે સુરક્ષિત રીતે ઉપર ચઢાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
અરબ સાગરમાં લક્ષદ્વીપ નજીકથી પકડાયો હતો જથ્થો
માહિતીના આધારે 25મી સપ્ટેમ્બર, 2026ના રોજ અરબ સાગરમાં પશ્ચિમ લક્ષદ્વીપ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે શંકાસ્પદ બોટને કોર્ડન કરીને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન 'આઝાદ' નામની પાકિસ્તાની બોટમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં 3,000 કરોડ રૂપિયાની કિંમત ધરાવતો 526 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
5 પાકિસ્તાની શખસની ધરપકડ, 12 દિવસના રિમાન્ડ
આ ઓપરેશન દરમિયાન બોટમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકો—મોહમ્મદ યાકુબ બલોચી, શાકિરુલ્લાહ, ફરીદુલ્લાહ, અહેમદ ખાન અને વાહીદુલ્લાહ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય સૂત્રધારોની માહિતી મેળવવા માટે કોર્ટમાંથી તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
સુરક્ષાના કારણોસર બોટ નારગોલ જેટી ખસેડાઈ
સફળ ઓપરેશન પૂર્ણ થયા બાદ સુરક્ષા અને આગળની કાનૂની તપાસના ભાગરૂપે બોટને ઉમરગામના દરિયાકિનારે લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શુક્રવારે વહેલી સવારે દરિયામાં ભરતીના સમયે નારગોલ મરીન પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બોટને નારગોલ જેટી કિનારે લાવીને લંગારવામાં આવી છે. હાલ મરીન પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે અને બોટની ટેકનિકલ તપાસ હાથ ધરી છે.

