Video/ VMC ની મેગા ડિમોલિશન ડ્રાઇવ/ ભાથીજી અને ખોડિયાર માતાના મંદિર તોડતા સ્થાનિકોમાં રોષની લાગણી
વડોદરા મહાનગરપાલિકા (VMC) ની દબાણ શાખા દ્વારા આજે ગોરવા વિસ્તારમાં દશામાં મંદિરની સામે આવેલા કાચા-પાકા મકાનો અને અન્ય દબાણો પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની આ કામગીરી દરમિયાન 50 કરતાં વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, જોકે આ કાર્યવાહીના કારણે સ્થાનિકોમાં અને રાજકીય પક્ષોમાં તીવ્ર રોષ જોવા મળ્યો હતો.
વર્ષો જૂના મંદિરો પણ તોડી પડાતા વિવાદ
દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી દરમિયાન ગોરવા દશામાં મંદિરની સામે કોઠિયા તળાવ પર આવેલા મકાનોની સાથે સાથે વર્ષો જૂનું ગણાતું ભાથુજી મહારાજનું મંદિર અને ખોડિયાર માતાનું મંદિરને પણ તોડી પાડવામાં આવતાં વિવાદ વકર્યો છે. સ્થાનિકોએ આ કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
'આમ આદમી પાર્ટી' દ્વારા ભાજપ પર આકરા પ્રહારો
આ દબાણ હટાવવાની કામગીરી અને ખાસ કરીને મંદિરો તોડી પાડવાના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) એ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટી, વડોદરાના પ્રમુખ, પીન્ટલ રામી એ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, “વર્ષો જૂનું ભાથુજી મહારાજનું મંદિર તોડવામાં પણ માનવતા દાખવવામાં આવી ન હતી. એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હિન્દુઓને લઈને મોટી મોટી વાતો કરે છે, ત્યારે તેમને ભગવાનનું મંદિર પણ નડ્યું અને એને તોડી નાખવામાં આવ્યું. આ કેટલું યોગ્ય છે?”

