VIDEO/ ડભોઈ કોર્ટનો મોટો ચુકાદો: મિલકત વિવાદમાં મોહનપુર સ્ટેટના રાજવી પરિવારના બે સભ્યોને એક વર્ષની કેદ
વડોદરા જિલ્લાના ચાંદોદ-નવા માંડવા રાજવી પરિવારની વડીલોપાર્જિત મિલકતનો વિવાદ હવે કાયદાકીય વળાંક પર પહોંચ્યો છે. સાબરકાંઠાના મોહનપુર અને માંડવા રાજવી પરિવાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા જંગમાં ડભોઇ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2017માં મિલકત વિવાદમાં હેમલત્તાબેન પટેલ પર થયેલા હુમલા અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ડભોઇના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તમામ પુરાવાઓને આધારે મોહનપુર સ્ટેટના રાજવી પરિવારના સભ્યો મીના કુમારી અને હિના કુમારીને તકસીરવાન ઠેરવ્યા છે. કોર્ટે બંને આરોપીઓને એક વર્ષની સાદી કેદ અને રૂપિયા એક લાખના દંડની સજા ફટકારી છે. IPC ની કલમ 323, 504 અને 506 (2) હેઠળ નોંધાયેલા આ ગુનામાં કોર્ટના આ ચુકાદાથી રાજવી પરિવારો વચ્ચેના કાનૂની જંગમાં નવો વળાંક આવ્યો છે. આ ચુકાદો સમાજમાં એ સંદેશ આપે છે કે કાયદો દરેક માટે સમાન છે.

