Vadodaraમાં મામા-ભાણેજનો જંગ ચરમસીમાએ: ‘માસ્ક મેન’ બની કર્યો વિરોધ, મત ન આપવા કરી અપીલ

વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર જેમ-જેમ આગળ વધી રહ્યો છે, તેમ-તેમ પક્ષના આંતરિક વિખવાદો હવે શેરી-ગલીઓમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 10માં રાજકીય જંગ હવે પારિવારિક જંગમાં ફેરવાયો હોય તેવો ઘાટ સર્જાયો છે. અહીં ભાજપના રિપીટ થયેલા ઉમેદવાર નીતિન ડોંગા સામે તેમના જ ભાણેજે 'માસ્ક મેન' બનીને વિરોધનો સૂર છેડ્યો છે.
વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવાર નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાળા વિરુદ્ધ એક યુવાને આક્રમક મોરચો ખોલ્યો છે. આ યુવાન બીજું કોઈ નહીં પણ નીતિન ડોંગાનો સગો ભાણેજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 'માસ્ક મેન' તરીકે ઓળખાતા આ યુવાને સોશિયલ મીડિયા અને વિસ્તારમાં ફરીને ખુલ્લેઆમ ભાજપના આ ઉમેદવારોને 'વોટ ન આપવા'ની અપીલ કરી છે. પારિવારિક મતભેદો હવે રાજકારણના મેદાનમાં જાહેરમાં આવતા મતદારોમાં પણ ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
પોતાની ઓળખ છુપાવવા માટે માસ્ક પહેરીને નીકળતા આ યુવાનના વિચારો 'જેન-ઝી' (Gen Z) અને ક્રાંતિકારી વિચારધારાથી પ્રેરિત હોવાનું દેખાય છે. તે ખાસ કરીને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવેલા ઉમેદવારોની કામગીરી અને પદ્ધતિ સામે સવાલો ઉઠાવી રહ્યો છે. વિસ્તારમાં આ માસ્ક મેન દ્વારા કરવામાં આવતો વિરોધ એટલો આક્રમક છે કે ભાજપના કાર્યકરો માટે પણ આ સ્થિતિ 'ત્રણ તૂટે અને એક જોડાય' જેવી શરમજનક બની ગઈ છે.
ચૂંટણી પ્રચાર માટે નીકળતી ફેરણીઓ દરમિયાન ભાજપના ઉમેદવારોને અનેક જગ્યાએ કડવા અનુભવો થઈ રહ્યા છે. તેવામાં ઘરના જ સભ્ય દ્વારા કરવામાં આવતો આ વિરોધ વિપક્ષ કરતા પણ વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સ્થાનિક રહીશોમાં અત્યારે આ માસ્ક મેનની હિંમત અને મામા-ભાણેજ વચ્ચેના રાજકીય યુદ્ધની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

