VIDEO: વડોદરામાં ખોડિયારનગરમાં ગંદકી વચ્ચે બનતી પાણીપુરી પર પાલિકાની તવાઈ: ૫૦થી વધુ ભઠ્ઠીઓ ધ્વસ્ત
સોર્સ : gstv
વડોદરા શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને દબાણ શાખાએ લાલ આંખ કરી છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ ડી-માર્ટ નજીક પાણીપુરીની પૂરીઓ બનાવતા એકમો પર તંત્રએ અચાનક દરોડા પાડ્યા હતા. ચેકિંગ દરમિયાન અત્યંત ગંદકીભર્યા અને અસ્વચ્છ વાતાવરણમાં પાણીપુરીની પૂરીઓ તૈયાર થતી હોવાનું ખુલ્લું પડ્યું હતું. જેને પગલે પાલિકાની ટીમે સ્થળ પર જ કડક કાર્યવાહી કરીને ૫૦થી વધુ ચૂલા-ભઠ્ઠીઓ તોડી પાડી હતી અને પૂરીઓ બનાવવા માટે રાખવામાં આવેલો મોટો અખાદ્ય રો-મટીરિયલનો જથ્થો નાશ કર્યો હતો. લોકો હોંશે હોંશે ખાતા હોય તેવી ચીજો આવી ભયાનક ગંદકીમાં બનતી જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. પાલિકા તંત્રએ આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે ઝુંબેશ ચાલુ રાખવાની ચીમકી આપી છે.

