પાદરાના ગણેશ મહોત્સવમાં ભક્તિ સાથે સાયબર સુરક્ષાનો સંદેશ, પંડાલમાં જાગૃતિ માટેના બેનરો અને સ્ટેન્ડી લગાવાયા

વડોદરા ગ્રામ્યના પાદરા તાલુકામાં હાલના સમયમાં વધી રહેલા સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ઠગાઈના બનાવોને ધ્યાનમાં રાખીને લોકોને જાગૃત કરવા માટે અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે. પાદરામાં યોજાઈ રહેલા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં આ વખતે ગણેશજીના પંડાલને ખાસ ‘સાયબર ગણેશ’ થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. ગણેશ મહોત્સવના માધ્યમથી ભક્તિ સાથે લોકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
PI પી.વી. ગોહિલનો નવતર અભિગમ
આ અનોખી થીમના આયોજનમાં પાદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.વી. ગોહિલ સહિત યુવાનોની મહત્વની ભૂમિકા રહી છે. પંડાલને સાયબર ક્રાઈમને લગતા વિવિધ સંદેશાઓ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. પંડાલમાં સાયબર ઠગાઈથી કેવી રીતે બચી શકાય, અજાણ્યા વ્યક્તિઓ સાથે OTP, PIN, પાસવર્ડ કે બેંકિંગ સંબંધિત માહિતી શેર ન કરવી સહિતના જાગૃતિસભર સંદેશાઓ દર્શાવતા બેનરો અને સ્ટેન્ડી લગાવવામાં આવ્યા છે.
સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ
આ ઉપરાંત, આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના વધતા ઉપયોગ સાથે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. સાયબર ઠગો અલગ-અલગ રીતો અપનાવી લોકોને છેતરતા હોય છે. ક્યારેક બેંક અધિકારીના નામે, ક્યારેક પોલીસ કે સરકારી અધિકારીના નામે તો ક્યારેક લિંક, લોન, ઈનામ કે અન્ય લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. આવા ગુનાઓથી લોકોને સાવચેત કરવા માટે ગણેશ મહોત્સવ જેવા મોટા જાહેર આયોજનને જાગૃતિના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે.
પાદરામાં તૈયાર કરાયેલા ‘સાયબર ગણેશ’ પંડાલમાં આવતા ભક્તોને ભગવાન ગણેશજીના દર્શનની સાથે સાયબર ક્રાઈમથી બચવાના મહત્વપૂર્ણ સંદેશાઓ પણ આપવામાં આવી રહ્યા છે. પંડાલમાં લગાવવામાં આવેલા બેનરો અને સ્ટેન્ડી લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે અને ખાસ કરીને યુવાનોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
'સાયબર ગણેશ' થીમ તૈયાર કરાઈ
પોલીસ અને આયોજકોના આ અભિગમનો મુખ્ય હેતુ માત્ર ગણેશ મહોત્સવની ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખીને તેને સમાજ ઉપયોગી સંદેશ સાથે જોડવાનો છે. લોકોમાં સાયબર ગુનાઓ અંગે સમજ વધે, ઓનલાઈન વ્યવહારો કરતી વખતે સાવચેતી રાખે અને કોઈ અજાણી વ્યક્તિને પોતાની અંગત કે બેંકિંગ માહિતી ન આપે તે માટે આ પ્રકારની થીમ તૈયાર કરવામાં આવી છે.
આજના સમયમાં સાયબર ક્રાઈમ એક ગંભીર પડકાર બની રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી ઉપરાંત લોકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. પાદરામાં ‘સાયબર ગણેશ’ની થીમ દ્વારા ધાર્મિક આસ્થા અને સામાજિક જાગૃતિને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગણેશ મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પંડાલની મુલાકાત લેતા હોવાથી સાયબર ક્રાઈમ સામેનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી શક્યતા છે. આ રીતે પાદરામાં તૈયાર કરાયેલ ‘સાયબર ગણેશ’ની થીમ ગણેશોત્સવની ઉજવણી સાથે સમાજને ડિજિટલ સુરક્ષાનો મહત્વપૂર્ણ સંદેશ આપતી અનોખી પહેલ બની છે.

