વડોદરા મનપા દ્વારા મૃતકની અંત્યેષ્ટિ સામગ્રી માટે હાલ કરતા વધુ ચાર ઘણી રકમ અપાશે

વડોદરા મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. મૃતકના અંત્યેષ્ટિ માટેની સામગ્રીના સાડાસાતથી આઠ હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવાશે. આગાઉ મૃતકના સ્વજનોને મૃતદેહની અંતિમ ક્રિયા માટે દોઢથી બે હજાર રૂપિયાનો માંડ ખર્ચ થતો હતો. તેની સામે ત્રણથી ચાર ઘણી કરતા વધુ રકમ ચૂકવવાનો તખલખી નિર્ણય લેવાયો છે. પાલિકાની સામાન્ય સભામાં નિર્ણય લેવાયો છે. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર આ નિર્ણયને લઇને નારાજ થયા છે તેમજ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
તેમના આક્ષેપ પ્રમાણે, ખાસ NGOને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આગાઉ જલારામ સેવા ટ્રસ્ટ આ માટે માંડ દોઢથી બે હજાર રૂપિયા લેતા હતા જેમાં અંતિમ વિધિ માટેના લાકડા, છાણા અને ઘાસના પુડા આપવામાં આવતા હતા. તો પછી આટલી બધી રકમ પાલિકા કેમ ચૂકવવા માટે તત્પર બની છે તે એક સવાલ ઉઠી રહ્યો છે.
VMC સમાજ સેવી સંસ્થાને હટાવી NGOને કામ આપવા માટે તત્પર
વડોદરામાં મૃતદેહની અંતિમ વિધિ કરવા માટે વિવિધ વિસ્તારોમાં 14 કરતા વધુ સ્મશાન ગૃહો આવેલા છે. NGOને આટલી બધી રકમ આપવા પાલિકાને કેમ સુરાતન ઉપડ્યું છે તે પણ એક ચર્ચાનો વિષય બની રહ્યું છે. આ કામ સારી રીતે જલારામ સેવા ટ્રસ્ટ નહિ નફો નહિ નુકશાનના ધયેય સાથે કરી રહ્યું છે. તેમ છતાં પાલિકા આ સમાજ સેવી સંસ્થાને હટાવી NGOને કામ આપવા માટે તત્પર બન્યું છે. શું કોઈના દબાણમાં આ નિર્ણય લેવાયો છે કે પછી કોઈને કમાઇ આપવાના ઇરાદે તે સવાલ પણ લોકોના મનમાં ઘર કરી રહ્યા છે.
આમ પણ પાલિકાની તિજોરીઓ ખાલી છે તો પછી આ નિર્ણયથી પાલિકાને મહિને કરોડો રૂપિયા ચૂકવવા પડશે. દિવસમાં વિવિધ સ્મશાનોમાં 40 કરતા વધુ મૃતદેહોની અંતિમ વિધિ થાય છે, જે જોવા જઇએ તો પાલિકાના માથે કરોડો રૂપિયાનો મહિને બોજો પડી શકે છે. આગાઉ ખાનગી સંસ્થા અને કંપનીઓ માંથી CSR એક્ટિવિટી માટે કરોડો રૂપિયાનું દાન મળી ચૂક્યું છે. પાલિકાના ભાજપા અને કોંગ્રેસના કોર્પોરેટર પણ આજ રીતે CSR માંથી કામગીરી થાય તેવું ઈચ્છી રહ્યા છે. પરંતુ પાલિકા કોઈને પણ આ રીતે કામ આપવા ઈચ્છતી નથી જે નવાઈની વાત છે.

