વડોદરા હરણી બોટકાંડ: મૃત શિક્ષિકાને વળતર ના ચૂકવવા શાળાએ બોગસ દસ્તાવેજ બનાવ્યા

વડોદરામાં હરણી બોટકાંડ મામલે નવો વળાંક સામે આવ્યો છે. મૃત શિક્ષિકાને વળતર ના ચૂકવવા શાળાએ બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે, હરણીના લેક ઝોન તરીકે ઓળખાતા તળાવમાં બોટ પલટી જવાથી 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા.
હરણી બોટકાંડ મુદ્દે નવો વળાંક
વડોદરા હરણી બોટકાંડ મુદ્દે નવો વળાંક આવ્યો છે. શાળાના રજૂ દસ્તાવેજ બાદ ધારાશાસ્ત્રીએ મૃત શિક્ષિકાને વળતર ના ચૂકવવા શાળાએ બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની દલીલ કરી છે. ઓછો પગાર બતાવી ખોટી સહીથી દસ્તાવેજ બનાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે સ્કૂલ સંચાલકો-મળતિયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. મૃત બન્ને શિક્ષિકાની સહી શાળાના વાઉચર-દસ્તાવેજમાં જુદી જુદી હતી. સ્કૂલે રજૂ કરેલા દસ્તાવેજની સહીની તુલના પાનકાર્ડ સાથે કરવામાં આવતા તે અલગ પડી હતી.
આ પણ વાંચો: સુરતની વિદ્યાર્થિની આપઘાતમાં ABVPનો વિરોધ, શાળા બહાર પ્રદર્શન થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વડોદરામાં બની હતી ઘટના
વડોદરામાં વાઘોડિયા રોડની ન્યૂસનરાઇઝ સ્કૂલમાં ભણતા બાળકો પિકનિક માટે હરણી લેક ઝોન ખાતે આવ્યા હતા. જ્યાં તળાવમાં બોટિંગ માટે 14ની ક્ષમતાવાળી બોટમાં 38 બાળકોન ઠાંસી ઠાંસીને બેસાડવામાં આવ્યા હતા. બોટ પાણીની વચ્ચે વળાંક લેવા ગઇ હતી અને પલટી મારી ગઇ હતી. આ ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકા સહિત કૂલ 14 લોકોના મોત થયા હતા. આ માનવસર્જિત હોનારત હતી. કારણ કે સુરક્ષાના તમામ નિયમોને બાજુ પર મુકી દેવામાં આવ્યા હતા.

